મુંબઈ: ભવાઈનો પ્રારંભ અસાઈત ઠાકર દ્વારા 14 મી સદીમાં થયો. અસાઈત ઠાકરે 350 ઉપરાંત વેશ લખ્યા. ઉત્તર ગુજરાતનાં ગામોમાં ભવાઈના વેશ નિયમિત ભજવાતા. કળાનું આ સ્વરૂપ જૂની રંગભૂમિના આગમન સાથે અને ત્યારબાદ નવી રંગભૂમિનાં લોકહૃદયમાં સ્થાનને કારણે ઝાંખું પડતું ગયું.
મુંબઈમાં તો ભવાઈના કલાકારનો ઉલ્લેખ કરવો હોય તો બે ત્રણ નામથી આગળ વધાય એવી પરિસ્થિતિ નથી. ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી આ કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય તેવા કાર્યક્રમ હાથ ધરી રહ્યાં છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા દશરથલાલ જોષી વાચનાલયના સહયોગથી 23 ઑગસ્ટ શુક્રવારે વિલે પાર્લે ખાતે “ભવાઈ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું છે. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા અનુરાગ પ્રપન્ન અને ભવાઈ જેમના પરિવારમાં ઊતરી આવી છે એવા વિકાસ ઘનશ્યામ નાયક રજૂઆત દ્વારા માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમ જાહેર જ છે પણ અભિનય અને ગાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા ભાવકો સંકલનકર્તા સંજય પંડ્યાનો 9821060943 પર સંપર્ક કરી નામ નોંધાવી શકે છે. જયાં એમને શિબિર દરમિયાન ભજવણી કરવાની સ્ક્રીપ્ટ વ્હોટસએપ ગ્રૂપ મારફત મળી જશે. આ કાર્યક્રમ માટે હેમાંગ જાંગલા અને અમૃત માલદેના સહયોગથી કલાગુર્જરી ખાતે કાર્યક્રમ યોજાશે.