મુંબઈ: શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી સંસ્થાના 75 વર્ષના અમૃત મહોત્સવના અવસરે રિયુનિયન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમૃત મહોત્સવ અને સંસ્થાની 75 વર્ષની સફરનું ઔચિત્ય સાધી રાવસાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય અને માતુશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બહેનોનું સંયુક્ત મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. દાતાઓ, ગુરુવર્યો સાથે જ વિદ્યાર્થીઓએ અને આ અદ્વિતીય કાર્યક્રમના સાક્ષીદાર બનેલા સર્વેએ આ મહાસંમેલનમાં આનંદની અને ઉત્સાહની અનુભૂતિ માણી હતી.
કાર્યક્રમની શુભ શરૂઆત અતિથિઓ તેમજ સંસ્થાના પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. સંસ્થાની ભવ્ય યાત્રાની યશોગાથા અને પ્રાસ્તાવિક સંસ્થાના સહમંત્રી નિતીનભાઈ પટેલે ભાવવાહી શબ્દોમાં રજૂ કરી હતી.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સૂર્યકાંતભાઈ આણંદજીભાઈ સંગોઈએ હૃદયસ્પર્શી સ્વાગત પ્રવચનથી સૌનું હર્ષભેર અભિવાદન કર્યું હતું. તેમણે સંસ્થાની ઐતિહાસિક યાત્રાને યાદ કરતા તેમના સ્થાપના દિવસથી આજ સુધીના પ્રગતિના પ્રેરણાદાયી પ્રસંગોનું સ્મરણ કર્યું. સાથે જ સંસ્થાને સમર્પિત દાતાઓ, સર્વે પદાધિકારીઓ, ગુરુજનો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. ભવિષ્યમાં વધુ પ્રગતિ, વિદ્યાર્થીઓ માટે નવી તક તેમજ સફળતા માટે પ્રયત્ન કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું. શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓનો જીર્ણોદ્ધાર કરી આધુનિક ઓપ આપવાની જરૂરિયાત છે.તેમજ આજ સંસ્થાના નેજા હેઠળ નવી કોલેજ ઊભી કરવાના તેમના સ્વપ્ન વિશે વાત કરી.
સંસ્થાના માનદ્દ મંત્રી શ્રી સુનિલભાઈ પટેલે પણ સંસ્થાના અમૃત મહોત્સવ નિમિત્તે વિડિયો દ્વારા શુભેચ્છા સંદેશ આપ્યો. અતિથિઓ જેવા કે રામજીભાઈ કાનજીભાઈ છાયા, રાય બહાદુર પિત્તી, નીતિનભાઈ રતિલાલ કારિયા, ભૂષણભાઈ મહેન્દ્રભાઈ કારિયા, રાજેશભાઈ ચંદુલાલ ગાંધી, કિશોરભાઈ મગનલાલ સોઢા, મીનાબેન રાજેશભાઈ મૃગ, દીપકભાઈ જગદીશભાઈ પાંડે, શિવકુમાર લાલાશેઠ ગુપ્તા માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન રામજી કાનજીભાઈ છાયા, રાજેશભાઈ ચંદુલાલ ગાંધી અને કિશોરભાઈ મગનલાલ સોઢાએ સંસ્થાની ઉજજવળ કારકિર્દીની પ્રશંસા કરી ભવિષ્યમાં તેની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ આપી હતી. તેમજ સંસ્થાના પદાધિકારીઓ તરફથી સર્વે ગુણીજન દાતાઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના મૂળ આધાર સ્તંભ એવા નિવૃત્ત તેમજ કાર્યરત મુખ્યાઘ્યાપકો, શિક્ષકો અને શિક્ષકેત્તર કર્મચારીઓને તેમની અડગ પ્રતિબદ્ધતા, અજોડ સેવાભાવ અને કઠોર પરિશ્રમને બિરદાવવા તેમને સન્માન પત્ર અને ભેટ વસ્તુઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
અમૃત મહોત્સવના ઉલ્લાસભર્યા પ્રસંગે સંસ્થા અને શાળાના વૈભવશાળી ઇતિહાસ અને તેની યાત્રાના પ્રતિબિંબ રૂપે PPT પ્રસ્તુતિકરણ દ્વારા સંસ્થા અને સંસ્થા સંચાલિત શાળાની સફળતા, સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી. આ ભવ્ય અવસરને અતિભવ્ય અને અવિસ્મરણીય બનાવવા ઉપસ્થિત રહેલા મહાન ગઝલ ગાયક મનહર ઉધાસે પ્રત્યક્ષ પધારી પોતાના મધુર કંઠ સ્વરે ગીત, ગઝલો અને ગરબાની રમઝટથી સૌને મંત્રમુગ્ધ કર્યા. ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉધાસનું રા.સા.ગો. ક.રા. શાળાના મુખ્યાધ્યાપક નિખિલભાઇ પટેલે શાલ ઓઢાડી સન્માન કર્ હતું. મા .જ.ભ.કન્યા વિદ્યાલયના મુખ્યાદ્યાપિકા સોનાબેન આચાર્ય અને સંસ્થાના પદાધિકારી જયેશભાઈ ઠક્કરે સંસ્થા અને શાળાને 75 વર્ષ પૂર્ણ થયા તેનું સ્મૃતિચિહ્ન આપી તેમનું સન્માન કર્યું હતું.
કલ્યાણના નામાંકિત સંગીતવૃંદોમાં અવ્વલ એવા કૌશિકભાઈ ઠક્કર અને તેમના સહકારીઓએ આ કાર્યક્રમમાં ગુજરાતી ગીતો, સુમધુર હિન્દી અને મરાઠી ગીતો ગાઈ પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. સંગીત કલાકારો દ્વારા રજૂ કરાયેલા ગુજરાતી ગરબાના તાલે નાના-મોટા સર્વે મન મૂકી આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થા સંચાલિત આર.એસ. જી.કે. આર. વિદ્યાલય દ્વારા માતૃભાષામાં શિક્ષણ આ સંદેશ આપતા પિરામિડનું પ્રસ્તુતિકરણ , એમ.જે.બી. કન્યા વિદ્યાલય દ્વારા ગુર્જર સંસ્કૃતિની ધરોહર ગણાતા સુંદર રાસ ગરબા અને આર. બી. કારિયા ઈંગ્લીશ સ્કૂલ દ્વારા બોલીવુડ થીમ પર નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત કરેલા વિદ્યાર્થીઓના સંયુક્તમાં સંમેલનમાં આશરે અઢી હજાર જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.
અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પાઠકે હૃદયથી આભારવિધિ કરી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્થાના સહમંત્રી નિતીનભાઈ પટેલ, નરેન્દ્રભાઈ ગડા, સંજયભાઈ શાહ અને ડો.નિમેષ લાખાણીએ કર્યું હતું. ભવ્ય દિવ્ય કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ સૂર્યકાંતભાઇ સંગોઇના કુશળ નેતૃત્વ ,માનદ્દ મંત્રી સુનિલભાઈ પટેલ અને સહમંત્રી બિપીનભાઈ સૂચકના સચોટ માર્ગદર્શન હેઠળ, સર્વે પદાધિકારીઓની સખત મહેનત, શ્રેષ્ઠ આયોજન અને સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો. દરેક વ્યક્તિની જહેમતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.