માર્ગ પરિવહન મંત્રાલયે અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ અંતર્ગત 15 વર્ષથી જૂના તમામ વાહનોનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે. આ સાથે જે વાહનોનું રજીસ્ટ્રેશન રીન્યુ થયું છે તે પણ કેન્સલ ગણાશે. આવા તમામ વાહનોનો રજિસ્ટર્ડ સ્ક્રેપ સેન્ટર દ્વારા નિકાલ કરવાનો રહેશે.
આ નવો આદેશ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. તમામ 15 વર્ષ જૂના વાહનોને કેન્દ્ર, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ, મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય પરિવહન, સરકારી સ્વાયત્ત સંસ્થા સાથે સ્ક્રેપ કરવાના રહેશે. જો કે, તેમાં સેનાના વાહનોનો સમાવેશ થતો નથી.
અગાઉ, માર્ગ પરિવહન મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના પ્રકરણ III માં ફેરફારો કર્યા હતા. આ દ્વારા, વપરાયેલી કાર બજારના નિયમન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની કવાયત કરવામાં આવી હતી. નિયમોમાં ફેરફાર અંગે કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સામાન્ય લોકોને ઘણા ફાયદા થશે. આ ફેરફારો પણ 1 એપ્રિલ, 2023થી અમલમાં આવશે.
નિયમોમાં ફેરફાર સાથે સેકન્ડ હેન્ડ વાહનોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા ડીલરની ચકાસણી કરવા માટે એક પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવી શકાય. ડીલર અને વાહન માલિક વચ્ચેના સંબંધો અંગે સ્પષ્ટતા હશે. એકવાર ડીલર પાસે વાહન હશે, તેની જવાબદારીઓ અને અધિકારો સ્પષ્ટ થશે.
