નવી દિલ્હીઃ ઓડિશા-છત્તીસગઢ સરહદે અથડામણમાં 14થી વધુ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ અથડામણ છત્તીસગઢ-ઓડિશા પર ગરિયાબંધ વિસ્તારમાં થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે નક્સલીઓ સાથે અથડામણ હજી પણ જારી છે.
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં જવાનોએ 14 નક્સલીઓને ઠાર કર્યા છે. જેમાં રૂ. એક કરોડના ઈનામવાળો જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો છે. તમામ મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. રવિવાર રાતથી મંગળવાર સવાર સુધી ગોળીબાર થઈ રહ્યો છે. કુલહાડી ઘાટ સ્થિત ભાલુ દિગ્ગી જંગલમાં 1000 જવાનોએ 60 નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
આ એન્કાઉન્ટરમાં કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલોને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો છે. આ પહેલાં સોમવારે બે નક્સલીઓનાં મોતની થયાં હતાં. ગારિયાબંધ એસપી નિખિલ રખેચા, ઓડિશાના નુઆપાડા SP રાઘવેન્દ્ર ગુંડાલા, ઓડિશાના DIG નક્સલ ઓપરેશન અખિલેશ્વર સિંહ અને કોબરા કમાન્ડન્ટ ડીએસ કથૈત તેનું મોનટરિંગ કરી રહ્યા છે.
છત્તીસગઢ અને ઓડિશા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 10 ટીમો એકસાથે નીકળી હતી. ઓડિશાની ત્રણ ટીમો, છત્તીસગઢ પોલીસની બે ટીમો અને CRPFની પાંચ ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી. જવાનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતા ત્યારે નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
આ એન્કાઉન્ટરની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મૈનપુર પહોંચી ગયા હતા. સુરક્ષાનાં કારણોસર ભાતીગઢ સ્ટેડિયમને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યાં હતાં. તેમની પાસેથી ત્રણ IED બોમ્બ પણ મળી આવ્યા હતા.