ગુજરાતમાં મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં ગુજરાતના મોરબી શહેરમાં આવેલ ઝૂલતા પુલના તુટી જવાની જવાબદારી સ્વીકારી છે. જેમાં ગયા મહિને 135 લોકોના મોત થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે સાંજે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં જણાવ્યું છે કે ‘બ્રિજ ખુલ્લો ન મુકવો જોઈતો હતો.’.
બ્રિજને મંજૂરી કેમ આપવામાં આવી ? : HC
મળતી માહિતી મુજબ બુધવારે સવારે જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે કોર્ટે કહ્યું કે જો નાગરિક સંસ્થા સાંજે એફિડેવિટ દાખલ નહીં કરે તો તે એક લાખ રૂપિયાનો દંડ ફટકારશે. કોર્ટે મંગળવારે 150 વર્ષ જૂના પુલની જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવાની રીત પર સીધો જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા સંદીપસિંહ ઝાલાને 24 નવેમ્બરે સમન્સ પાઠવ્યા છે. જ્યારે આ મામલે આગળની સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટે બુધવારે મોરબી નગરપાલિકાને પૂછ્યું હતું કે ઝૂલતા પુલની ગંભીર સ્થિતિથી વાકેફ હોવા છતાં તેને સમારકામ માટે બંધ કરવામાં આવ્યો તે પહેલાં 29 ડિસેમ્બર, 2021 અને 7 માર્ચ, 2022 વચ્ચે જનતા દ્વારા તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી ?
અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા
ઉલ્લેખનિય છે કે મોરબી શહેરની મચ્છુ નદી પર બનેલો બ્રિટિશ સમયનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબરે રિપેર કરીને ખુલ્લો મુક્યાના પાંચ દિવસ બાદ તૂટી ગયો હતો. આ દુ:ખદ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. બ્રિજ તૂટી પડવા બાબતે થયેલી પીઆઈએલની સુઓમોટો સંજ્ઞાન લેતા હાઈકોર્ટે મોરબી નગરપાલિકા પાસેથી માહિતી માંગી હતી.
હાઈકોર્ટે મોરબી પાલિકાને ફટકાર લગાવી
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડને ઉપયોગ માટે કોઈ મંજૂરી ન હોવા છતાં બ્રિજનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાના કારણો વિશે પણ પૂછપરછ કરી હતી. અમદાવાદ સ્થિત ઓરેવા ગ્રુપ સસ્પેન્શન બ્રિજની જાળવણી અને સંચાલન કરતું હતું. મોરબી નગરપાલિકાએ બુધવારે દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે 29મી ડિસેમ્બર 2021ના રોજ અજંતા કંપનીએ મોરબી પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસરને જાણ કરી હતી કે બ્રિજની હાલત નાજુક છે અને બ્રિજની જાળવણી અને વ્યવસ્થાપનને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે નિર્ણય લેવા વિનંતી કરી.
હાઈકોર્ટે પૂછ્યા સવાલ
કોર્ટે કહ્યું 29 ડિસેમ્બર, 2021 ના પત્ર પછી પણ પુલની સ્થિતિ નાજુક હતી. તેમ છતાં એવું લાગે છે કે 7 માર્ચ, 2022 સુધીમાં ઉક્ત બ્રિજનો ઉપયોગ કરવા અથવા જાહેર જનતા માટે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે મોરબી નગરપાલિકાને તેના સોગંદનામામાં ખુલાસો કરવા આદેશ કર્યો હતો કે આ સમયગાળા દરમિયાન અજંતા કંપનીને કેવી રીતે પુલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉપયોગની પરવાનગી ન હોવા છતાં અજંતાને પુલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાના કારણો પણ આ એફિડેવિટમાં આપવામાં આવશે. મોરબી નગરપાલિકાના હાલના ઈન્ચાર્જને પણ અમે આગામી સુનાવણીની તારીખે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.