નવી દિલ્હીઃ માર્ક ઝુકરબર્ગની કંપની મેટામાંથી પાંચ ટકા કર્મચારીઓની છટણી કરશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માતૃ કંપની મેટામાં નબળો દેખાવ કરવાવાળા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. જેનાથી કંપનીના મેનેજમેન્ટ આશરે 3600 કર્મચારીઓની ઓળખ કરી લીધી છે.
સોશિયલ મિડિયા પ્લેટફોર્મની માલિકીની કંપની ધરાવતી મેટામાં ટૂંક સમયમાં કર્મચારીઓની છટણી કરે એવી શક્યતા છે. મેટા આ વર્ષે તેના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા 5 ટકા કર્મચારીઓની છટણી કરશે. જેથી તેમના સ્થાને નવા કર્મચારીઓની નિમણૂક કરી શકાય. આ માહિતી કંપનીએ કર્મચારીઓને આંતરિક મેમો દ્વારા આપી છે.
સપ્ટેમ્બર સુધી મેટામાં લગભગ 72,000 લોકો કામ કરતા હતા. આવી સ્થિતિમાં પાંચ ટકાનો કાપ લગભગ 3600 નોકરીઓને અસર કરશે. મેટાના CEO માર્ક ઝુકરબર્ગે કર્મચારીઓને મોકલેલા ઈન્ટરનલ મેમોમાં જણાવ્યું છે કે હવે પરફોર્મન્સના સ્કેલને વધારવાનો નિર્ણયને કારણે હવે પરફોર્મન્સને આધારે તેમનું કામ જોવામાં આવશે. આવી સ્થિતિમાં, કંપની નવા માપદંડો અનુસાર અંડરપર્ફોર્મર્સની છટણી કરશે.
વિશ્વની મોટી ટેક કંપનીઓમાં વર્ષ 2022 થી સતત છટણી ચાલુ છે. આ પહેલીવાર નથી કે જ્યારે મેટાએ છટણીની જાહેરાત કરી હોય. ઝુકરબર્ગે વર્ષ 2023ને કંપનીનું ‘યર ઓફ એફિશિયન્સી’ જાહેર કર્યું હતું અને ત્યાર બાદ મેટાએ 10,000 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી. મેટાએ વર્ષ 2022થી લગભગ 21 000 નોકરીઓ પર કાપ મૂક્યો છે. જે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે, તેમને 10 ફેબ્રુઆરી સુધી સૂચિત કરવામાં આવશે.