ગુજરાતમાં ફરી મેઘરાજાએ બઘડાટી બોલાવી

હવામાન વિભાગે આજે રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે, ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 17મી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાનની સિસ્ટમ જે રીતે ગોઠવાઈ છે એ જોતાં 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે. જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે. કેટલાક સ્થળોએ તો 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે. પરંતુ એ ઘટ પણ આ વખતના રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે.

ગુજરાતમાં 16 ઓગસ્ટથી લઇને 24 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. એમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે અને સારી વાત એ હશે કે આ નવા રાઉન્ડમાં ગુજરાતના 95 ટકા વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે.

એક જ દિવસમાં 8 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે. મહારાષ્ટ્રના મરાઠવાડા તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. એક જ દિવસમાં સાડા ચારથી લઈને આઠ ઈંચ વરસાદની સંભાવના છે. છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે.