આસામમાં વહેલી સવારે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. ગુવાહાટી નજીક દિગારુ રેલવે સ્ટેશન પાસે કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન સહિત પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં અનેક મુસાફરો ઘાયલ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

મિઝોરમથી કોલકાતા જઈ રહી હતી ટ્રેન
મળતી માહિતી મુજબ, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ મિઝોરમથી કોલકાતા તરફ જઈ રહી હતી. આસામના દિગારુ રેલવે સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં અકસ્માતનું ચોક્કસ કારણ અને મુસાફરોની સ્થિતિ અંગે સ્પષ્ટતા થઈ નહોતી. જોકે, હવે પૂર્વોત્તર સીમા રેલવે (Northeast Frontier Railway) દ્વારા સત્તાવાર પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે.
રેલવેએ અકસ્માત અંગે શું જણાવ્યું?
પૂર્વોત્તર સીમા રેલવેના જણાવ્યા અનુસાર, 11 નવેમ્બર 2026ના રોજ સવારે કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસને દિગારુ રેલવે સ્ટેશન પર બીજી ટ્રેનને પસાર થવા માટે રોકવામાં આવી રહી હતી.આ દરમિયાન લોકોપાયલટ ટ્રેનની ગતિ પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર, તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાહત અને બચાવ કામગીરી શરૂ
અકસમાતની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પૂર્વોત્તર સીમા રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ રેલવે ટ્રેકને ફરી કાર્યરત કરવાની કામગીરી પર નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યુરોપના સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી, જેમાં 69 લોકોનાં મોત થયાના અહેવાલ હતા.આ ઉપરાંત, 8 નવેમ્બરના રોજ ઇજિપ્તની રાજધાની કૈરોથી દક્ષિણ તરફ બે પેસેન્જર ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા હતા, જ્યારે 88 લોકો ઘાયલ થયા હતા.






