જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક દુ:ખદ અકસ્માત થયો. અહીં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે એક ખાનગી પેસેન્જર બસ રસ્તા પરથી ખીણમાં પડી જતાં ત્રણ લોકોના મોત થયા હતા અને 43 અન્ય ઘાયલ થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બસ ઘાની ગામથી મેંઢર જઈ રહી હતી ત્યારે સવારે 9.20 વાગ્યે માનકોટ વિસ્તારના સાંગરા નજીક આ દુર્ઘટના બની હતી. ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે.

અધિકારીઓએ મૃતકોની ઓળખ ગની ગામના 45 વર્ષીય મોહમ્મદ મજીદ, 55 વર્ષીય શકીલા બેગમ અને કસબલરીના 60 વર્ષીય નૂર હુસૈન તરીકે કરી છે. ઘાયલોમાંથી આઠની હાલત ગંભીર છે. મેંઢર બ્લોક મેડિકલ ઓફિસર અશફાક ચૌધરીએ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઘાયલ નવ લોકોમાંથી પાંચને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ (GMC) હોસ્પિટલમાં વિશેષ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.

ડોક્ટરે કહ્યું કે અકસ્માતની માહિતી મળતાં જ, અમે તમામ 15 એમ્બ્યુલન્સને તૈનાત કરી દીધી અને પોલીસ, CRPF, સેના અને સ્થાનિક સ્વયંસેવકોની સક્રિય સહાયથી ઘાયલોને સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે પૂંછમાં થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતમાં લોકોના મોતથી તેઓ દુઃખી છે. આ દુઃખની ઘડીમાં, મારી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.