IPL મામલે સાઈબર પોલીસે અભિનેત્રી તમન્ના ભાટિયાને પાઠવ્યું સમન

મુંબઈ: મહારાષ્ટ્ર સાયબર સેલે બૉલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.અભિનેત્રીને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં 2023માં ફેરપ્લે એપ પર IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના મામલામાં તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્ર સાયબર ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના મામલામાં વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. પોલીસે હવે આ કેસમાં તમન્ના ભાટિયાને પૂછપરછ માટે બોલાવી છે. જો કે તમન્ના પહેલા પણ આ મામલે અનેક કલાકારોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હકીકતમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કલાકારોને ફેરપ્લે એપ દ્વારા IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગની અગાઉથી જાણકારી હતી.

તમન્ના પહેલા સંજય દત્તની પૂછપરછ કરવામાં આવી હતી

આ મામલે તમન્નાએ 29મી એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવું પડશે. આ સંબંધમાં તમન્ના પહેલા અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે બોલાવવામાં આવ્યા હતા,પરંતુ તે તેમની સામે હાજર થયા ન હતા. આ માટે સંજય દત્તે પોતાનું નિવેદન નોંધવા માટે નવી તારીખ અને સમયની માંગણી કરી છે.કારણ કે જે તારીખે સંજય દત્તને મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા તે તારીખે તે ભારતમાં નહોતા.

ચાહકો તમન્નાને લઈને ચિંતિત

તમન્ના ભાટિયાને આ મુશ્કેલીમાં જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, “મારી નૉન કન્ટ્રોવર્સિયલ અભિનેત્રી ફાઇનલી કન્ટ્રોવર્સિયલ બની ગઈ છે”, અન્ય એક યૂઝરે લખ્યું, “ખતમ ટાટા બાય-બાય”, જ્યારે કેટલાક ચાહકો તમન્નાએ જે કર્યું તેના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ફેરપ્લે એપ શું છે

ફેરપ્લે એક ઑનલાઇન સ્પોર્ટ્સબુક પ્લેટફોર્મ છે. ફેરપ્લે પર મેચોને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ મામલે ડિજિટલ પાયરસીનો કેસ નોંધવામાં આવ્યો હતો. વાયકોમ 18 નેટવર્કે ફેરપ્લે નામની સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ જોવાને કથિત રીતે પ્રમોટ કરવા બદલ અનેક કલાકારો સામે એફઆઈઆર નોંધાવી હતી.