મહાકુંભ મેળો 2025: પ્રથમ અમૃત સ્નાનમાં કરોડો લોકોએ લગાવી આસ્થાની ડૂબકી

ઉત્તર પ્રદેશ: દર ૧૨ વર્ષે એક વર્ષે યોજાતો મહાકુંભ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે શરૂ થયો હતો અને ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. સત્તાવાર અંદાજ મુજબ પહેલા દિવસે લગભગ ૧.૭૫ કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, મકરસંક્રાંતિની સાંજ સુધીમાં, લગભગ ૩.૫ કરોડ ભક્તોએ પહેલા ‘અમૃત સ્નાન’ દિવસે સંગમમાં સ્નાન કર્યું હતું.

કુંભ મેળા દરમિયાન કોઈપણ સમયે સંગમમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. જો કે, ‘અમૃત સ્નાન’નું વિશેષ મહત્વ છે. ‘અમૃત સ્નાન’ના દિવસે સ્નાન કરવાથી અનેકગણો આધ્યાત્મિક લાભ થાય છે. અમૃત સ્નાન ફક્ત મહત્વપૂર્ણ દિવસોમાં જ થાય છે. આ વર્ષનું પહેલું ‘અમૃત સ્નાન’ ૧૪ જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પ્રસંગે થયું હતું. આ દિવસે, સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં ગયો. આ પરિવર્તન મકરસંક્રાંતિની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે થાય છે.

દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રત્યેક સ્નાન પર્વ પર ત્રણ દિવસ ફ્રી સટલ બસ સેવાના લાભની જાહેરાત કરી છે. અહીંયા આશરે ૫૦૦ જેટલી સટલ બસો ચાલી રહી છે. દોઢ મહિના સુધી ચાલનારા મહાકુંભમાં છ શાહી સ્નાન રહેશે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પ્રથમ દિવસે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ શાહી સ્નાનનો લાભ લીધો હતો. પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.