મહાકુંભ 2025: રૂ. બે લાખ કરોડથી વધુના વેપારની શક્યતા

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં મહાકુંભનો આજથી આરંભ થઈ ચૂક્યો છે, જે ફેબ્રુઆરી સુધી ચાલશે. વિશ્વનો સૌથી મોટો માનવ મહેરામણ છે. શહેરમાં 55 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભમાં દરરોજ એક કરોડ જેટલા લોકો આવશે. એક અંદાજ મુજબ મહાકુંભ દરમિયાન રૂપિયા બે લાખ કરોડથી વધુ વેપાર થવાની ધારણા છે.

પ્રયાગરાજ અને એની આસપાસનાં શહેરોમાં વેપારને પ્રોત્સાહન મળશે. એ સે રેલવે, ફ્લાઇટસ અને રસ્તા ટ્રાન્સપોર્ટેશનને મોટી આવક થવાની સંભાવના છે. દિલ્હીથી પ્રયાગરાજ અને એની આસપાસનાં શહેરોમાં રૂ. 40,000 કરોડ મૂલ્યના માલસામાન અને સર્વિસિઝના વેચાણની શક્યતા છે.વિવિધ કંપનીઓ મહાકુંભમાં માર્કેટિંગ પર આશરે 3600 કરોડ રૂપિયા ખર્ચ કરશે, તેમાં 25 ટકા આઉટડોર જાહેરાત પર ખર્ચ કરવામાં આવશે.  FMCG કંપનીઓથી લઈ બેંકો અને સ્ટાર્ટઅપ સુધીના તમામ લોકોએ તેમની બ્રાન્ડ્સને મહાકુંભમાં પ્રમોટ કરવા તથા નવા ઉત્પાદન લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીઓ તેમનાં ઉત્પાદનની 40 કરોડથી વધુ લોકો સુધી સીધી જ પહોંચ બનાવવાનો મોટી તક જોઈ રહી છે. આ મેગા ધાર્મિક આયોજનને બ્રાન્ડ્સ તેમનાં ઉત્પાદનોને પ્રમોટ કરવાનો મોટો અવસર માની રહી છે. મહાકુંભ મેળાના કેટલાક વિસ્તારમાં વિવિધ કંપનીનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે.

મહાકુંભ જેવાં મોટાં આયોજનો બ્રાન્ડને મોટો મોકો આપે છે. જેને કારણે માગમાં વધારો થાય છે. ઉપરાંત બ્રાન્ડ માટે એક ટેસ્ટિંગ ગ્રાઉન્ડની જેમ કામ કરે છે. આ દરમિયાન નવાં ઉત્પાદનો પર ગ્રાહકોની પ્રતિક્રિયા જાણી શકાય છે અને વ્યૂહરચના બનાવી શકાય છે.