ઉત્તરાખંડની મદરેસાઓમાં હવે નહીં મળે શુક્રવારની રજા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની મદરેસાઓમાં હવે શુક્રવારે રજા નહીં મળે. મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે રાજ્યમાં બધા માટે એકસમાન વ્યવસ્થા લાગુ છે. આ જ વર્ષે પહેલી જુલાઈથી ઉત્તરાખંડમાં મદરેસા શિક્ષણ વ્યવસ્થા ખતમ કરવામાં આવી હતી. આવું કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. હવે રાજ્યની ધામી સરકારે વધુ એક મોટો નિર્ણય લેતાં મદરેસાઓમાં શુક્રવાર એટલે કે જુમ્માની રજા રદ કરીને રવિવારે એકસમાન રજા આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. બીજી તરફ, મુસ્લિમ સમાજમાંથી આ મુદ્દે બે પ્રકારના અભિપ્રાયો સામે આવી રહ્યા છે.

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ છેઃ સીએમ ધામી

પોલીસ લાઇનમાં આયોજિત એક કાર્યક્રમમાં મિડિયા સાથે વાત કરતાં મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા પહેલેથી જ લાગુ છે. આવી સ્થિતિમાં બધા માટે એકસમાન નિયમો અને કાયદા હોવા જોઈએ. આ વાત શિક્ષણ ક્ષેત્રે પણ લાગુ પડે છે.

તેમણે જણાવ્યું હતું કે હવે રાજ્યની તમામ મદરેસાઓમાં શુક્રવારની જગ્યાએ રવિવારે જ રજા રહેશે.

કોંગ્રેસે કહ્યું હતું કે આ માત્ર રાજકીય સ્ટંટ છે. જુમ્માની રજા રદ થતાં જ કોંગ્રેસે આ નિર્ણયને માત્ર રાજકીય સ્ટંટ ગણાવ્યો છે. કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડો. પ્રતિમા સિંહે કહ્યું હતું કે સરકાર પાસે મસ્જિદ, મદરેસા અને મજાર સિવાય બીજો કોઈ મુદ્દો રહ્યો નથી. તેમણે કહ્યું કે મદરેસાઓમાં શુક્રવારે ખાસ નમાજને કારણે રજા આપવામાં આવતી હતી. રાજ્યમાં મદરેસા શિક્ષણ વ્યવસ્થા ખતમ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ કાર્યરત મદરેસાઓની સ્થિતિ કેવી છે તે જોનાર કોઈ નથી.

બીજી તરફ, મુસ્લિમ સમાજ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ પણ સરકારના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.

મદરેસાના શિક્ષકોએ નિર્ણયને આવકાર્યો

આ આદેશ અંગે દેહરાદૂનના શિક્ષકોએ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. ઇમદાદ ઉલ ઉલૂમનાં સંયોજક શમા ખાને આ નિર્ણયને આવકાર્યો છે. મદરેસાના કેટલાક શિક્ષકોએ જણાવ્યું કે તેઓ સરકારના આદેશનું પાલન કરશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે જો શુક્રવારે અડધા દિવસની રજા આપવામાં આવે તો નમાજ પઢવામાં સરળતા રહે.