LPUમાં હિંસા AAP સરકારનું કાવતરું : પૂર્વ CM ચરણજીત ચન્ની

પંજાબ: ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શન અને હિંસાના મુદ્દે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ આમ આદમી પાર્ટી (AAP)ની ભગવંત માન સરકાર પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. ચન્નીએ દાવો કર્યો છે કે એલપીયુ કેમ્પસમાં થયેલી ગુંડાહર્દી અને તોડફોડ “પોલીસ પ્રાયોજિત” હતી.

ભાજપમાં જોડાવાનો બદલો?

ચરણજીત સિંહ ચન્નીએ જણાવ્યું હતું કે એલપીયુના સ્થાપક અને રાજ્યસભા સાંસદ અશોક મિત્તલ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા. આ જ કારણોસર બદલાની રાજનીતિ હેઠળ આમ આદમી પાર્ટીની સરકારે આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીને બરબાદ કરવાનો અને તેને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ચન્નીએ ઉઠાવેલા મુખ્ય સવાલો:

  1. બહારના તત્વોનો પ્રવેશ: ચન્નીએ આરોપ લગાવ્યો કે યુનિવર્સિટીની બહારથી આવેલા અસામાજિક તત્વો અને ગુંડાઓએ કેમ્પસમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને આ આખી ઘટનાને પોલીસે સમર્થન આપ્યું હતું.

  2. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસે ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કેમ કર્યો? આવી પોલીસ કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ ન લેવાયા?

  3. અફવા અને એફઆઈઆર: સોશિયલ મીડિયા પર કથિત બળાત્કાર અને આત્મહત્યાની અફવા ફેલાઈ હતી. જો ખરેખર આવી કોઈ ઘટના બની હોય તો પોલીસે તાત્કાલિક એફ.આઈ.આર. નોંધીને કાર્યવાહી કેમ ન કરી?

  4. રૂ. ૧૦૦ કરોડનું નુકસાન: ચન્નીએ દાવો કર્યો હતો કે આ હિંસા અને તોડફોડને કારણે યુનિવર્સિટીને અંદાજે રૂ. ૧૦૦ કરોડનું આર્થિક નુકસાન થયું છે, જેની જવાબદારી રાજ્ય સરકારે લેવી જોઈએ.

એલપીયુમાં અફવાઓને કારણે શરૂ થયેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું, જેમાં નેશનલ હાઇવે જામ કરવામાં આવ્યો હતો અને વાહનોને સળગાવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ચન્નીના આ આરોપો બાદ પંજાબ સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘર્ષણ વધવાની પૂરી શક્યતા છે.