મુંબઈમાં ભાજપને ઝટકો, ઉદ્ધવની સેનાએ મારી બાજી

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આજે એટલે કે 4 જુનના રોજ જાહેર થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોના ચૂંટણી પરિણામોમાં સત્તારૂઢ મહાયુતિને મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પરિણામોમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ માત્ર 18 બેઠકો (ભાજપ-10, શિવસેના-7, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-1) જીતી છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી (એમવીએ) 29 બેઠકો (કોંગ્રેસ-13, શિવસેના ઉદ્ધવ-09 અને એનસીપી- શરદને 7 ) મળી છે. એક બેઠક પર અપક્ષનો વિજય થયો છે. પ્રતિષ્ઠિત બારામતીમાં એનસીપી શરદ જૂથનો વિજય થયો હતો, જ્યારે અમરાવતીમાં કમળ ખીલવા આવેલા નવનીત રાણાને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ મુંબઈમાં જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નાગપુરથી જીતની હેટ્રિક ફટકારી હતી, જો કે, ઉજ્જવલ નિકમ મુંબઈ, મુંબઈ ઉત્તર મધ્યની પ્રતિષ્ઠિત બેઠક જીતી શક્યા નથી. કોંગ્રેસની વર્ષા ગાયકવાડ સામે તેમનો પરાજય થયો હતો.

મુંબઈની કુલ છ બેઠકની વાત કરીએ તો

મુંબઈ નોર્થ: કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે 6,80,146 મતો મેળવીને જીત મેળવી છે. ગોયલે કોંગ્રેસના ભૂષણ પાટીલને 3,57,608 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ નોર્થ સેન્ટ્રલ: કોંગ્રેસના વર્ષા ગાયકવાડ 4,45,545 મતો મેળવીને જીત્યા છે. તેણીએ બીજેપીના ઉજ્જવલ નિકમને 16,514 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

મુંબઈ નોર્થ ઈસ્ટ: શિવસેના UBT જૂથના સંજય દિના પાટીલ કુલ 4,50,937 મતો સાથે જીત્યા છે. પાટીલે ભાજપના મિહિર ચંદ્રકાંત કોટેચાને 29,861 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ નોર્થ વેસ્ટ: એકનાથ શિંદેના શિવસેના જૂથના રવિન્દ્ર દત્તારામ વાયકરે 4,52,644 મતો સાથે વિજય મેળવ્યો છે. વાયકરે શિવસેના યુબીટીના અમોલ ગજાનન કીર્તિકરને 48 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ સાઉથ: શિવસેના યુબીટી જૂથના અરવિંદ સાવંતે 3,95,655 મતો મેળવીને જીત હાંસલ કરી છે. તેમણે શિંદેના જૂથના યામિની યશવંત જાધવને 52,673 મતોના માર્જિનથી હરાવ્યા છે.

મુંબઈ સાઉથ સેન્ટ્રલ: અનિલ યશવંત દેસાઈ 3,95,138 મત સાથે જીત્યા છે. તેમણે 53,384 મતોના માર્જિનથી શિંદેની શિવસેનાના રાહુલ રમેશ શેવાલેને હરાવ્યા છે.