વાપી: મુંબઈના બાંદ્રા ટર્મિનસથી ગુજરાતના ભુજ તરફ જઈ રહેલી ટ્રેનમાં દારૂની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી રેલવેની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ટ્રેન નંબર 09037 બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલના થર્ડ AC કોચમાં મુસાફરોએ જાતે તપાસ કરીને દારૂની પેટીઓ અને બુટલેગરોને રંગેહાથ પકડી પાડયા. આ મામલે રેલવે પોલીસ મથકે કુલ 5 અલગ-અલગ FIR દાખલ કરવામાં આવી છે. મુસાફરોની સતર્કતાથી 3 આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયા છે, જ્યારે 2 ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરાઈ છે.
મુસાફરોને પોતાની સીટ નીચે કેટલીક બિનવારસી બેગ પડી હોવાનું જણાયું હતું. શંકાસ્પદ બેગ્સ જોઈને મુસાફરોએ આ અંગે તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને દારૂના ક્વાર્ટરનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. ટ્રેનના એસી કોચ જેવા સંવેદનશીલ અને સુરક્ષિત ગણાતા ડબ્બામાંથી આટલી મોટી માત્રામાં ગેરકાયદે દારૂ મળી આવતાં અન્ય મુસાફરોમાં પણ આશ્ચર્ય અને સુરક્ષા અંગે ચિંતા વ્યાપી ગઈ હતી.
કોચમાં હાજર 3 શંકાસ્પદ શખ્સો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ જાગૃત મુસાફરોએ તેને ચારેય તરફથી ઘેરીને ઝડપી લીધા હતા. આ સમગ્ર ટ્રેનમાં અલગ-અલગ 5 બુટલેગરો સવાર થઈને સુરત તરફ આ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુસાફરોએ પકડેલા ત્રણેયે દારૂ પોતાનો હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ મોટી ટ્રાવેલ બેગ અને છ જેટલાં પ્લાસ્ટિક પાર્સલ કબજે કર્યા હતા. હાલ પોલીસે પાંચેય બુટલેગરો વિરુદ્ધ 5 પ્રોહિબિશન એક્ટ મુજબ ગુના નોંધી તપાસ હાથ ધરી છે કે વાપી સ્ટેશનથી આટલો મોટો જથ્થો ટ્રેનમાં સુરક્ષા તપાસ વગર કેવી રીતે ચડી ગયો.




