લદ્દાખ હિંસાઃ વાંગચુકની મુક્તિ માટે પત્નીએ ‘સુપ્રીમ’ દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની મુક્તિની માગ કરતાં તેમનાં પત્ની ગીતાંજલી આંગમોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવ્યાં છે. વાંગચુકને લદ્દાખમાં થયેલાં પ્રદર્શનોના બે દિવસ બાદ 26 સપ્ટેમ્બરે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (રાસુકા) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે થયેલા વિરોધ પ્રદર્શનોમાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને 90 લોકો ઘાયલ થયા હતા. વાંગચુક હાલમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. આંગમોએ વકીલ સર્વમ રીતમ ખરે મારફતે દાખલ કરેલી પોતાની અરજીમાં વાંગચુકની કસ્ટડીને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માગ કરી છે. આ અરજીમાં વાંગચુક પર રાસુકા લગાડવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

આંગમોએ આરોપ લગાવ્યો છે કે તેમને હજી સુધી કસ્ટડીના આદેશની નકલ આપવામાં આવી નથી, જે નિયમોનો ભંગ છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હજી સુધી તેમનો વાંગચુક સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તાજેતરમાં લદ્દાખ પ્રશાસને વાંગચુકને ફસાવવાના કે ગુપ્ત રીતે કાર્યવાહીના દાવાઓને નકારી કાઢ્યા હતા.

વાંગચુકને 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ગીતાંજલીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ પત્ર લખ્યો હતો. તેમણે પતિને બિનશરતી મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે.

લદ્દાખમાં 24 સપ્ટેમ્બરે થયેલા હિંસક પ્રદર્શન

લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને તેને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગને લઈને 24 સપ્ટેમ્બરે લેહમાં હિંસક પ્રદર્શન થયું હતું. આ પ્રદર્શનમાં ચાર લોકોનાં મોત થયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આરોપ છે કે વાંગચુકની વાતોથી લોકોને હિંસા માટે ઉશ્કેરાયા હતા. વાંગચુકે કહેવાય છે કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં થયેલા જેનજી પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો.