મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં આવેલી શાહી ઈદગાહ મસ્જિદની વિવાદિત જગ્યાના સર્વે અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે. કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદની વિવાદિત જગ્યા પર સર્વેને મંજૂરી આપી છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે બપોરે 2 વાગ્યે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસની જાળવણી અને કોર્ટ કમિશનરને મોકલવા અંગેની અરજી પર ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મયંક જૈનની ખંડપીઠે હિન્દુ પક્ષની અરજી પર સર્વેને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે, બેન્ચ કુલ 18 સિવિલ સુટની સુનાવણી કરી રહી છે.
પ્લેસ ઓફ વર્શીપ એક્ટ હેઠળ દાવોની જાળવણીક્ષમતા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટ કમિશનરને મોકલવા અંગે મંદિર પક્ષની અરજી પર કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગાહ વ્યવસ્થા સમિતિને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપ્યો હતો, જેના પર આજે કોર્ટે પોતાનો ચુકાદો આપી સર્વેને મંજૂરી આપી છે. હાઈકોર્ટના આદેશ મુજબ સર્વે કમિશ્નરની નિમણૂક કરવામાં આવશે, જે સમગ્ર સર્વેનું મોનિટરિંગ કરશે.
આ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય છે
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, અલાહાબાદ હાઈકોર્ટે અમારી અરજી સ્વીકારી લીધી છે જ્યાં અમે એડવોકેટ કમિશનર દ્વારા સર્વે કરવાની માંગ કરી હતી. રૂપરેખા 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. મસ્જિદની દલીલો ફગાવી દેવામાં આવી છે.” આ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય છે.