ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 સીઝન એક અઠવાડિયા માટે મુલતવી રાખવા પર પ્રતિક્રિયા આપી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને BCCI એ શુક્રવારે IPL ની વર્તમાન સિઝન એક અઠવાડિયા માટે મુલતવી રાખી છે. બીસીસીઆઈ કહે છે કે જ્યારે દેશ આતંકવાદી હુમલાઓનો જવાબ આપી રહ્યો હોય અને સરહદ પારથી ગેરવાજબી આક્રમણનો સામનો કરી રહ્યો હોય, ત્યારે રાષ્ટ્રીય હિત સર્વોપરી હોય છે.
વર્તમાન સિઝનમાં 16 મેચ બાકી છે
IPLની વર્તમાન સિઝનમાં હજુ 16 મેચ બાકી છે જે 10 કે 12 દિવસમાં પૂર્ણ થઈ શકે છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “BCCI એ IPL 2025 ની બાકીની સીઝન તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે મુલતવી રાખી છે. ટુર્નામેન્ટનું નવું સમયપત્રક અને સ્થળ આગામી દિવસોમાં સંબંધિત અધિકારીઓ અને હિસ્સેદારો સાથે પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કર્યા પછી જાહેર કરવામાં આવશે.”
BCCI એ કહ્યું- અમે દેશ સાથે ઉભા છીએ
IPL 2025 ની ફાઇનલ મેચ શેડ્યૂલ મુજબ 25 મે ના રોજ કોલકાતામાં રમવાની હતી. બોર્ડ બાકીના 16 મેચો સમયસર શેડ્યૂલ કરવાનો પ્રયાસ કરશે જેમાં 12 ગ્રુપ સ્ટેજ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ થાય છે. એવી અટકળો છે કે જો સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપ રદ થાય તો આ એક વિકલ્પ હોઈ શકે છે. બીસીસીઆઈએ કહ્યું કે, બીસીસીઆઈ આ મુશ્કેલ સમયમાં દેશની સાથે ઉભું છે. અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો અને દેશના લોકો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ.
‘દેશની અખંડિતતા કરતાં ક્રિકેટ વધુ મહત્વનું નથી’
બીસીસીઆઈએ કહ્યું કે ક્રિકેટ દેશનો જુસ્સો છે પરંતુ તે દેશની અખંડિતતા અને સુરક્ષાથી મોટો નથી. “બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઓપરેશન સિંદૂર હેઠળના બહાદુરીભર્યા પ્રયાસો રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે અને તાજેતરના આતંકવાદી હુમલા અને પાકિસ્તાનના સશસ્ત્ર દળો દ્વારા ઉશ્કેરણી વિનાના આક્રમણનો કડક જવાબ આપતી વખતે પ્રેરણા આપે છે,” BCCI એ જણાવ્યું. બોર્ડ ભારતની સુરક્ષા સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે અને હંમેશા રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં તેના નિર્ણયો લેશે.
