જેરૂસલેમ: ઇઝરાયેલમાં ૨૭ ઓક્ટોબરે યોજાનારી સંસદીય ચૂંટણીને દેશના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના રાજકીય ભવિષ્ય અને નેતૃત્વ પરના જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ હમાસના ભીષણ હુમલા બાદ દેશમાં આ પહેલી ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી જંગ, સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ગંભીર ચૂક અને સરકારની જવાબદારી આ ચૂંટણીના કેન્દ્રમાં છે.
ઓપિનિયન પોલ અનુસાર, નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને વિપક્ષી નેતાઓ વચ્ચે ભારે ટક્કર જોવા મળી રહી છે. સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષ કે ગઠબંધનને ૧૨૦ સભ્યોની સંસદ (નેસેટ)માં ઓછામાં ઓછા ૬૧ બેઠકોનું બહુમતી સમર્થન મેળવવું પડશે.
આ ચૂંટણીમાં માત્ર યુદ્ધ કે સુરક્ષા જ નહીં, પરંતુ સેનામાં ફરજિયાત ભરતી (મિલિટરી ડ્રાફ્ટ), અતિ-રૂઢિવાદી (Haredi) યૂહુદીઓની છૂટછાટ, ધાર્મિક તથા ધર્મનિરપેક્ષ સમુદાયો વચ્ચેના મતભેદો અને આર્થિક મુશ્કેલીઓ પણ મતદારોના નિર્ણયને ભારે પ્રભાવિત કરી રહી છે.






