નીતીશકુમાર આગામી ઉપરાષ્ટ્રપતિ બનવાની શક્યતા

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી સોશિયલ મિડિયા અને ટીવી ચેનલોમાં બિહારના CM નીતીશકુમારનું નામ ચર્ચામાં છે. ચર્ચા એ બાબતની છે કે શું નીતીશકુમાર ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બની શકે? યાદ રહે કે જગદીપ ધનખડે સ્વાસ્થ્ય સંબંધી કારણો આપીને સોમવારની સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી લોકોમાં અને સોશિયલ મિડિયા પર અનેક અલગ-અલગ અટકળો શરૂ થઈ છે.

બિહારમાં આવનારા થોડા મહિના વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સોશિયલ મિડિયા પર ચાલી રહેલી અટકળોમાં જણાવવામાં આવ્યું છે કે નીતીશકુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવીને ભાજપ અને મોદી સરકાર એક મોટો રાજકીય દાવ ચલાવી શકે છે. બીજી તરફ વિપક્ષના અનેક પક્ષો જગદીપ ધનખડના રાજીનામા પર પણ અનેક પ્રકારના સવાલ ઉઠાવી રહ્યા છે.

સોશિયલ મિડિયા પર ચર્ચાઈ રહ્યું છે કે હવે ભાજપ બિહારમાં પોતાનો CM બનાવે એવી શક્યતા છે. નીતીશકુમાર 2005થી બિહારના CM છે. તેઓ મહાગઠબંધન અને NDA – બંને સાથે રહીને પણ CM રહી ચૂક્યા છે. હાલના રાજકીય સંજોગોમાં ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે NDA ચૂંટણી નીતીશકુમારના નેતૃત્વમાં લડશે અને સરકાર બનશે તો તેઓ જ ફરી CM બનશે, પરંતુ ઘણા સમયથી ભાજપની ઈચ્છા રહી છે કે તેમનો પોતાનો CM હોય.

જોકે નિયમિત રાજકારણથી દૂર રહીને ઉપરાષ્ટ્રપતિ તરીકે કામગીરી નિભાવવી નીતીશકુમાર માટે સરળ નહીં રહે. નીતીશકુમાર માત્ર CM નહીં, પણ JDUના સર્વોચ્ચ નેતા પણ છે. જો તેઓ દિલ્હી જઈને ઉપરાષ્ટ્રપતિ બની જાય તો પાર્ટી સંભાળવી મુશ્કેલ બની શકે છે.

બિહાર ભાજપના ઘણા નેતાઓ લાંબા સમયથી માગ કરતા આવ્યા છે કે હવે રાજ્યમાં ભાજપનો CM હોવો જોઈએ. વિધાનસભામાં ભાજપ પાસે 80 વિધાયક છે જયારે JDU પાસે માત્ર 45 છે. આવામાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે શું ચૂંટણી પહેલાં બિહારની રાજકારણમાં કંઈક મોટું થવાનું છે?