ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવી શકે: યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો

એથેન્સ (ગ્રીસ): અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ (વિદેશ મંત્રી) માર્કો રુબિયોએ એથન્સ ખાતે ગ્રીસના મંત્રી સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું છે કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ હેઠળ ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવતા રોકવું એ અમેરિકાનો મુખ્ય અને પ્રાથમિક ઉદ્દેશ્ય છે.

માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, કોઈપણ ભવિષ્યની રાજદ્વારી સમજૂતી અથવા કરાર માટે અમેરિકાની એક જ શરત હશે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્ર ન હોવું જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઈરાને પોતે બનાવેલી મિસાઇલો અને ડ્રોન ક્ષમતા દ્વારા પોતાના પરમાણુ મથકોનું રક્ષણ કરવાની વ્યૂહરચના બનાવી હતી, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનની લશ્કરી ક્ષમતાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ ઉપરાંત, યુએસ વિદેશ મંત્રીએ ઈરાનની આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું કે ઈરાનનું અર્થતંત્ર ભારે કટોકટી અને આકરા પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાન તેના નાણાકીય સંસાધનોનો ઉપયોગ સ્થાનિક વિકાસને બદલે પ્રાદેશિક સશસ્ત્ર જૂથોને મદદ કરવા માટે કરી રહ્યું છે.