આઈપીએલ 2026 ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 244 રનનો લક્ષ્યાંક માત્ર 18.4 ઓવરમાં હાંસલ કરીને રેકોર્ડ જીત મેળવી છે. મુંબઈ માટે રયાન રિકેલ્ટને 44 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી 123 રન બનાવ્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડ (76) અને હેનરિક ક્લાસેન (65*) ની તોફાની બેટિંગે મુંબઈની આશા પર પાણી ફેરવી દીધું હતું. હૈદરાબાદની આ સતત 5મી જીત છે, જ્યારે મુંબઈ માટે આ સિઝનની કુલ છઠ્ઠી હાર છે.
મેચની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર રહી હતી. ઓપનર રયાન રિકેલ્ટને વાનખેડેના મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને માત્ર 44 બોલમાં મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી હતી. રિકેલ્ટને કુલ 123 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેને વિલ જેક્સ (46) અને કેપ્ટન હાર્દિક પંડ્યા (31) નો મજબૂત સાથ મળ્યો હતો. મુંબઈએ નિર્ધારિત 20 ઓવરમાં 243 રન બનાવ્યા હતા, જે વાનખેડે સ્ટેડિયમમાં તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર હતો. મુંબઈના ફેન્સને આશા હતી કે આ વિશાળ સ્કોર સાથે ટીમની હારનો સિલસિલો અટકશે, પરંતુ હૈદરાબાદના ઈરાદા કંઈક અલગ જ હતા.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. અત્યાર સુધી શાંત રહેલા ટ્રેવિસ હેડનું બેટ આજે ગર્જ્યું હતું. હેડે માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને કુલ 76 રન બનાવ્યા હતા. તેણે અભિષેક શર્મા (45) સાથે મળીને માત્ર 9 ઓવરમાં ટીમને 130 રન સુધી પહોંચાડી દીધી હતી. જોકે, મુંબઈના બોલરોએ વચગાળાની ઓવરોમાં 6 બોલમાં 3 વિકેટ ઝડપીને વાપસીની કોશિશ કરી હતી, પણ હેનરિક ક્લાસેને મુંબઈની તમામ ગણતરીઓ ઊંધી પાડી દીધી હતી.
હેનરિક ક્લાસેને પોતાની વિસ્ફોટક બેટિંગ જારી રાખી માત્ર 22 બોલમાં અર્ધશતક ફટકાર્યું અને 65 રન બનાવી અણનમ રહ્યો હતો. તેણે સલિલ અરોરા (30*) સાથે મળીને હૈદરાબાદને 18.4 ઓવરમાં જ જીત અપાવી દીધી હતી. હૈદરાબાદે 249 રન બનાવીને વાનખેડેના મેદાન પર સૌથી મોટા રન ચેઝનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પેડ કમિન્સની કપ્તાનીમાં હૈદરાબાદની ટીમ અત્યારે અજેય ફોર્મમાં જણાઈ રહી છે અને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ હાર ઘણી પીડાદાયક છે કારણ કે ટીમ પ્રથમ વખત પોતાના ગઢ વાનખેડેમાં 200 થી વધુ રન ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી છે. હોમ ગ્રાઉન્ડ પર સતત 4 થી હાર મુંબઈના ઈતિહાસમાં ક્યારેય જોવા મળી નથી. બોલિંગ વિભાગની નબળાઈ મુંબઈ માટે મુખ્ય કારણ સાબિત થઈ રહી છે. હવે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મુંબઈએ આગામી મેચોમાં ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે, જ્યારે હૈદરાબાદની ટીમ આ રેકોર્ડ બ્રેક જીત સાથે ટાઈટલની પ્રબળ દાવેદાર તરીકે ઉભરી છે.

