વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ચાલી રહેલા ટ્રેડ વૉરને વધુ વેગ આપવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ચીનમાંથી આયાત કરવામાં આવતી લગભગ તમામ વસ્તુઓ ઉપર ડ્યૂટી વધારવા માટે તૈયાર છે. ટ્રમ્પના આ પ્રકારના નિવેદન બાદ ચીને પણ જવાબી કાર્યવાહી કરવાની ધમકી ઉચ્ચારી છે. ચીને જણાવ્યું છે કે, તે પોતાને ત્યાં અહીં કામ કરી રહેલી અમેરિકન કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી દિવસોમાં ચીનમાંથી આયાત કરવામાં આવતા 267 અબજ ડોલરના (આશરે 19 લાખ 25 હજાર કરોડ રૂપિયા) વધારાના સામાન ઉપર પણ ડ્યૂટી લાગૂ કરવા ધમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા ચીનથી આયાત કરવામાં આવતા 200 અબજ ડોલરના સામાન ઉપર ડ્યૂટી વધારવાની પહેલા જ જાહેરાત કરી ચૂક્યું છે.
ટ્રમ્પની આ ટિપ્પણીઓ બાદ અમેરિકન શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અને ડોલરના મુકાબલે ચીની ચલણ યુઆન નબળો પડ્યો હતો. ટ્રમ્પ 50 અબજ ડોલરના (આશરે 36 હજાર કરોડ રુપિયા) મુલ્યના ચીની સામાન ઉપર પહેલેથી જ 25 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવી ચૂક્યા છે. આ સામાનમાં મોટા ભાગની વસ્તુઓમાં ઔદ્યોગિક મશીનો અને સેમીકન્ડક્ટર્સ જેવા ઈલેક્ટ્રોનિક પાર્ટ્સનો સમાવેશ થાય છે.
અમેરિકામાં ચીનથી સૌથી વધુ આયાત કરવામાં આવતા મોબાઈલ ફોનને જોકે આ ટેરિફ લીસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ 267 અબજ લરની નવી ટેરિફ યાદી લાગૂ કરશે તો મોબાઈલ ફોન્સનો પણ તેમાં સમાવેશ થઈ શકે છે.