પેરિસમાં ઘાતક હથિયારથી હુમલો, 7 લોકો ઘાયલ 4ની હાલત નાજુક

પેરિસઃ ફ્રાંસની રાજધાની પેરિસમાં ઘાતક હથીયારો લઈને આવેલા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 2 બ્રિટિશ નાગરીકો સહિત કુલ સાત લોકો ઘાયલ થયા હતા. જોકે હુમલાખોરની અટકાયત કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હુમલાખોર અફઘાનિસ્તાનનો હોઈ શકે છે. આ હુમલાખોર પાસે એક ઘાતક છરો અને લોંખડનો રોડ હતો. જોકે હજી આને આતંકી હુમલો નહી જાહેર કરાયો કારણ કે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કહી શકાય કે હુમલાખોરના નિશાના પર રોડ પર ફરી રહેલા લોકો જ હતા.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા 7 લોકો પૈકી 4 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના રાજધાની પેરિસના ઉત્તરી ક્ષેત્રમાં ઘટી હતી. તાજેતરમાં જોવા જઈએ તો ફ્રાંસમાં ઘાતક છરી જેવા હથિયારોથી હુમલા કરવાની ઘટનાઓ વધી રહી છે. અગાઉ 23 ઓગષ્ટના રોજ પણ એક વ્યક્તિએ પોતાની માતા અને બહેનને ચપ્પુના ઘા મારી તેમની હત્યા કરી નાંખી હતી જ્યારે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો.

તો આ પહેલા 17 જૂનના રોજ શહેરના દક્ષિણ વિસ્તારમાં એક સુપરમાર્કેટમાં ઘાતક છરાથી એક મબિલાએ અલ્લાહુ અકબર બોલતા બોલતા 2 લોકોને ઘાયલ કરી દીધા હતા. મહત્વનું છે કે ફ્રાંસમાં વધી રહેલી હુમલાઓની ઘટનાને લઈને ફ્રાંસમાં હાઈ એલર્ટ છે. જાન્યુઆરી 2015માં પેરિસમાં ચાર્લી હેબ્દો નામના એક મેગીઝીનની ઓફિસમાં હુમલા બાદથી આતંકી હુમલામાં 240થી વધારે લોકોના મૃત્યું થયા હતા.