બલ્ગેરિયા- ઈરાન પરમાણુ કરારથી ખસી જવા અને ટ્રેડ વૉરને પ્રોત્સાહન આપ્યા બાદ હવે અમેરિકાના મિત્ર દેશ પણ તેનાથી નારાજ જણાઈ રહ્યાં છે. આ અંગે યુરોપિયન યુનિયનના ચેરમેને ગતરોજ એક બેઠકમાં જણાવ્યું હતું કે, જેની પાસે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા મિત્રો હોય તેને દુશ્મનોની શું જરુર છે?28 દેશના નેતાઓ બલ્ગેરિયાની રાજધાનીમાં મળ્યા હતા. જેમાં અમેરિકાના વલણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ઈરાન કરારમાં જોડાયેલા બાકીના દેશોને સાથે રાખીને કરારને કેવી રીતે આગળ વધારી શકાય અને યુરોપિય સંઘના દેશોનો ઈરાન સાથેનો વ્યાપાર ટ્રમ્પના પ્રતિબંધ છતાં કેવી રીતે આગળ વધારી શકાય જેથી ટ્રેડ વૉરને નિવારી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
યુરોપિયન યુનિયનના ચેરમેન ડોનાલ્ડ ટસ્કે જણાવ્યું હતું કે, ટ્રમ્પના નિર્ણયો સાથે વ્યવહાર કરવા માટે યુરોપિયન યુનિયનને હવે પહેલા કરતાં વધુ એકતા બતાવવાની જરુર છે. ડોનાલ્ડ ટસ્કે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયોને જોતાં, કોઈને પણ એવો વિચાર આવી શકે કે, જો ટ્રમ્પ જેવા મિત્રો હોય તો દુશ્મનોની શું જરુર છે?’
આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને કારણે યુરોપિય નેતાઓની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. પછી તે, પેરિસ જળવાયુ કરારમાંથી અમેરિકાનું ખસી જવાનું હોય કે, વર્ષ 2015માં કરવામાં આવેલા ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાનું અલગ થવાનું હોય. ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોએ યુરોપની વિદેશ નીતિ પર ખતરો ઉભો કર્યો છે.