ભારત અમારા ગેરકાયદેસર નાગરિકોની યાદી આપે, અમે પાછા લેવા તૈયાર છીએઃ બાંગ્લાદેશ

ઢાકા – બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીને કહ્યું છે કે અમે ભારત સરકારને વિનંતી કરી છે કે એમના દેશમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોય તો એમના નામોની અમને યાદી આપે. અમે એમને પાછા આવવા દઈશું.

ભારતના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ (NRC) અંગેના એક સવાલના જવાબમાં મોમીને કહ્યું કે ભારત સાથે અમારા દેશના સંબંધો સારા છે અને ઘણા મધુર છે. NRCને કારણે એની પર કોઈ અવળી અસર નહીં પડે.

બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીન

મોમીને કહ્યું કે ભારતે કહ્યું છે કે NRC પ્રક્રિયા એની આંતરિક બાબત છે અને એણે બાંગ્લાદેશ સરકારને ખાતરી આપી છે કે એ બાંગ્લાદેશને કોઈ અવળી અસર પડવા નહીં દે.

મોમીને એમ પણ કહ્યું કે કેટલાક ભારતીય નાગરિકો આર્થિક કારણોસર વચેટિયાઓની મદદથી બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે. અમારા નાગરિકો સિવાય જો બીજું કોઈ પણ બાંગ્લાદેશમાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરશે તો અમે એમને પાછા મોકલી દઈશું.

મોમીને કહ્યું કે ભારતમાં જો બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો ભારત સરકાર અમને એમના નામોની યાદી આપે. અમે અમારા નાગરિકોને પાછા આવવા દઈશું, કારણ કે એ લોકોને એમના પોતાના દેશમાં પ્રવેશવાનો અધિકાર છે.