આઈઝોલઃ એક સામાન્ય પાકિસ્તાની આર્મી ઓફિસરમાંથી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર કરનાર જનરલ જિયા ઝિયાઉરરહેમાનનું જીવન વિવાદથી ભર્યું રહ્યું હતું. જિયા ઝિયાઉરરહેમાને દેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની હત્યા પછી લશ્કરી બળવો ડામી બાંગ્લાદેશનું શાસન સંભાળ્યું હતું અને મલ્ટી-પાર્ટી સિસ્ટમ ફરીથી સ્થાપિત કરી હતી. જનરલ ઝિયા પર મુજીબુર રહેમાનની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ હતો. જનરલ જિયા વિશે હવે એક અન્ય ઘટસ્ફોટ થયો છે. જનરલ જિયાને બાંગ્લાદેશ લિબરેશન યુદ્ધ દરમિયાન ફાંસી અપાવાની હતી પરંતુ તે બચી ગયા અને બાદમાં રાષ્ટ્રપતિ બન્યા.
ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના પતિ અને મિઝોરમના પ્રથમ રાજ્યપાલ સ્વરાજ કૌશલે કહ્યું હતું કે, 1979-1986 દરમિયાન ભારત સરકાર સાથેની વાટાઘાટ દરમિયાન તેઓ પૂ લાલડેંગા અને મિઝો નેશનલ ફ્રન્ટના વકીલ હતા. સ્વરાજ કૌશલે બાંગ્લાદેશના ઉદય સાથે જોડાયેલી એક રસપ્રદ વાત શેર કરી હતી. તેમણે કહ્યું, “મિઝો નેશનલ ફ્રન્ટ, બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ડિસેમ્બર 1971 માં શેખ મુજીબુર રહેમાનની મુક્તિ વાહિની અને ભારતીય સૈન્ય સામે લડી રહી હતી. યુદ્ધ દરમિયાન, મિઝો નેશનલ ફ્રન્ટે પાકિસ્તાની સેનાના મેજરની ધરપકડ કરી હતી, જે તે સમયે મુક્તિ કોર્પ્સના કમાન્ડર તરીકે લડતાં હતાં. મિઝો નેશનલ ફ્રન્ટે મેજરની પૂછપરછ કરી તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. પરંતુ પાછળથી લાલડેંગા (મિઝો નેશનલ ફ્રન્ટના નેતા) મેજરને ડિનર માટે બોલાવ્યા કારણ કે તે જ દિવસે તેમના દેશ (બાંગ્લાદેશ) નો જન્મ થયો હતો.
આ રાત્રિભોજન પછી, લાલડેન્ગાએ પોતાનો નિર્ણય બદલ્યો અને જનરલ જિયાને છોડી દીધાં. લાલડેગાએ સ્વરાજ કૌશલને કહ્યું, “મેં જેને પકડ્યો તેનું નામ જનરલ ઝિયાઉર્રહમાન હતું, જે બાદમાં બાંગ્લાદેશનો રાષ્ટ્રપતિ બન્યો.” તમને જણાવી દઈએ કે જનરલ ઝિયાઉર્રહમાન 1977માં લશ્કરી બળવો થયાં બાદ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બન્યા હતાં અને તેમણે બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. તેમની પુત્રી ખાલિદા જિયા પણ બાદમાં બાંગ્લાદેશની વડા પ્રધાન બન્યાં હતાં. જનરલ ઝિયા 1981 સુધી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ રહ્યાં.
લશ્કરી વિદ્રોહ માટે દોષી ગણાયેલાં અબ્દુર રશીદે થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે 1975માં સત્તાપલટમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર્રહમાન પણ સામેલ હતા. રાશિદે કહ્યું કે તત્કાલિન ડેપ્યુટી ચીફ આર્મી સ્ટાફ મેજર જનરલ ઝિયાઉર્રહમાન આ પલટવારમાં સામેલ હતાં. રાશિદે તેની ભૂમિકા સ્વીકારી આરોપ મૂક્યો હતો કે ઝિયાએ તેમને 15 ઓગસ્ટ, 1975 પહેલાં બોલાવ્યા હતાં અને સત્તા ઉથલાવ્યાં પછી અબુ તાહિરને યોજના અંગે ચર્ચા કરવા કહ્યું હતું. 1996માં જ્યારે અવામિ લીગ ફરીથી સત્તા પર આવી ત્યારે રશીદ અને અન્ય 11 ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી.
આપને જણાવીએ કે એક વખતની ભૂગર્ભ સંસ્થા એમએનએફએ 1986માં કેન્દ્ર સરકાર સાથે મિઝો એકોર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેના નેતા લાલડેન્ગા મુખ્ય પ્રધાન બન્યાં હતાં. લાલડેન્ગા વર્ષ 1988 સુધી મિઝોરમના મુખ્ય પ્રધાન રહ્યાં હતાં. ભારતીય સૈન્યમાં સાર્જન્ટ રહી ચૂકેલા લાલડેંગાએ બાદમાં આસામમાં સરકારી નોકરી લીધી. એ પછી તેમણે ભારત સરકાર સામે બળવો કર્યો. ગોરિલા યુદ્ધ દરમિયાન તે ઘણી વખત પકડાયાં હતાં અને તેમનો મોટાભાગનો સમય બાંગ્લાદેશમાં દેશનિકાલમાં વિતાવ્યો હતો.