વોશિગ્ટન: તમે પ્રેમમાં પડેલા યુવાનોના દિલમાં આગ લાગવાની વાત સાંભળી હશે. હિન્દી ફિલ્મોમાં આવા ડાયલોગ્સ પણ જોયા-સાંભળ્યા હશે, પણ ક્યારેય પ્રેમના કારણે આખેઆખું મકાન સળગે એવું સાંભળ્યું છે?
હા, પ્રેમ કેટલીક વખત વિનાશક સ્વરૂપ ધારણ કરી લે છે, તેનું પરિણામ બ્રેકઅપના રૂપમા સામે આવે છે. બ્રેકઅપ પછી કેટલાક લોકો આ આઘાતમાંથી જલ્દી બહાર આવી જતાં હોય છે પરંતુ અમુક સંવેદનશીલ લોકોને આ આઘાતમાંથી બહાર નીકળતા વર્ષો લાગી જતાં હોય છે. એટલું જ નહીં કેટલાક લોકો તો બ્રેકઅપ થયા પછી ડિપ્રેશનમાં આવી જાય છે અને ખોટા પગલાઓ ભરે છે. એવુ પણ જોવા મળે છે કે, લવમાંથી બ્રેકઅપ થયાં બાદ કેટલાક લોકો તમેના પ્રેમ સાથે સંકળાયેલી દરેક નિશાનીને નષ્ટ કરી દે છે, જેથી તેમને જૂની યાદો ફરીથી પરેશાન ન કરે….
પ્રેમમાં બ્રેકઅપ પછી તેના વિનાશક સ્વરૂપનું એક તાજુ ઉદાહરણ અમેરિકાના નેબ્રાસ્કાના લિંકનમાં જોવા મળ્યું. હકીકતમાં અહીં 19 વર્ષની એક છોકરીએ પોતાના પૂર્વ પ્રેમીની યાદોને ભૂલવવા માટે તેમની સાથે સંકળાયેલી દરેક વસ્તુનો નાશ કરવાનું વિચાર્યુ. મોટી મોટી ભેટ સોગાદોને કચરાપેટીમાં નાખી દીધી પણ પ્રેમ પત્રોને સળગાવાનો વિચાર કર્યો.
પૂર્વ પ્રેમીના પત્રોને સળગાવવા માટે તેણે બુટેન ટોર્ચનો ઉપયોગ કર્યો. જમીન પર સળગતા પત્રોને છોડીને તે બીજા રૂમમાં ઉંઘવા જતી રહી. ધીમે ધીમે આગે જમીન પર પાથરેલા ગાલીચાને પોતાની ચપેટમાં લઈ લીધા. અને થોડી જ વારમાં આખુ એપાર્ટમેન્ટ આગમાં ભડકી ઉઠયું. જોકે, ફાયરવિભાગના કર્મચારીઓની તત્પરતા અને સૂઝબૂઝને કારણે એ છોકરીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી.
અલબત્ત, એપાર્ટમેન્ટની કોઈપણ વ્યક્તિને આ આગથી નુકસાન ન થયું, પણ હજારો ડોલરના નુકસાનને રોકી ન શકાયું. પોલીસે છોકરી વિરુદ્ધ લાપરવાહીનો મામલો દાખલ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી છે.