આ રીતે પાકિસ્તાની કાર્યકર્તાએ જ ખોલી પાકિસ્તાનની પોલ…

વોશિગ્ટન: કાશ્મીરમાં માનવધિકારોના મામલે ભારત સામે જુઠ્ઠાણા ચલાવનાર પાકિસ્તાનનો પોતાનો રેકોર્ડ અત્યંત ખરડાયેલો છે. જેનો વધુ એક પર્દાફાશ થયો છે. પાકિસ્તાનમાં સેના દ્વારા થતા અત્યાચારોની પોલ ખોલનાર માનવ અધિકાર કાર્યકર્તા ગુલાલાઈ ઈસ્માઈલ પાક સેનાથી બચવા માટે ગૂપચૂપ રીતે પાકિસ્તાન છોડીને અમેરિકા આવતી રહી છે. તેણે અમેરિકા પાસે રાજકીય શરણની માંગણી કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી છે. પાકિસ્તાનમાં તેની સામે દેશદ્રોહનો આરોપ લાગેલો છે.

ઈમરાન ખાન પાસે માગી હતી સુરક્ષા

ગુલાલાઈ ઈસ્માઈલે પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા યૌન શોષણની ઘટનાઓને ખુલ્લી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. દેશની મહિલાઓ પર થતાં અત્યાચારો વિરુદ્ધ ગુલાલાઈ દ્વારા સતત કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો. મહિલા કાર્યકર્તાઓના એક ગ્રુપે ઈમરાન ખાનને પત્ર લખીને ઈસ્માઈલની સુરક્ષા માટે અપીલ કરી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર 32 વર્ષીય ઈસ્માઈલ ગત મહિને પાકિસ્તાનથી ભાગવામાં સફળ રહી અને હવે તે એમની બહેન સાથે બ્રુકલિનમાં રહે છે.  ગુલાલાઈએ કહ્યુ કે, હું કઈ રીતે ભાગી છું તે કહેવા નથી માંગતી કારણકે તેનાથી બીજા લોકોની જિંદગી ખતરામાં પડી શકે છે.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ તો ગયા વર્ષે ગુલાલાઈનુ નામ દેશ વિરોધી કૃત્યોના આરોપસર એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં નાંખી દીધુ હતુ. જેની સામે ગુલાલાઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટના આદેશથી આઈએસઆઈને નામ હટાવવાની ફરજ પડી હતી.

પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકો અને મહિલાઓના માનવધિકારોનું હનન કરવા બદલ પાક સેનાની હમેશા ટીકા થતી રહી છે. ઈસ્માઈલે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે હિંમતથી સતત ઝૂંબેશ ચલાવી, જેમાં સુરક્ષાદળો દ્વારા મહિલાઓનું યૌન શોષણ, અત્યારચાર અને અન્ય ઘટનાઓ પર દેશ અને વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી. આ જ કારણે ઈસ્માઈલ પાકિસ્તાની સેના અને સત્તાધારી પક્ષની આંખોમાં ખટકી રહી હતી.

ગુલાલાઈ કહે છે કે, તેમના પર લગાવેલા દેશદ્રોહના આરોપ તદનખોટા છે. ન્યૂયોર્કના ડેમોક્રેટ સેનેટર ચાર્લ્સ શૂમરે કહ્યું કે, ગુલાલાઈએ અમેરિકા પાસે શરણની માગણીના સમર્થન માટે હું તમામ પ્રયત્નો કરીશ, કારણ કે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે, તેમનું જીવન ખતરામાં છે.

ઈસ્માઈલની મુશ્કેલીઓ ઈમરાન ખાને સત્તા સંભાળ્યાના એક વર્ષ પછી શરુ થઈ. પશ્તૂન તહફ્ફુઝ આંદોલન (PTM)ની કાર્યકર્તા ગુલાલાઈ ઈસ્માઈલ પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ દેશદ્રોહના આરોપ લગાવામાં આવ્યા. ઈસ્માઈલ ગત મહિને ફરિશ્તા મોહમ્મદની હત્યા મામલે અધિકારીઓની ભૂમિકાને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો, ફરિશ્તા મોહમ્મદનું શબ ઈસ્લામાબાદના વુડલેન્ડમાંથી મળ્યું હતું. 27મે ના રોજ રાજ્ય વિરોધી ભાષણો મામલે ઈમરાન સરકારે ઈસ્માઈલને બ્લેકલિસ્ટ કરી દીધી હતી.

ઈસ્માઈલ ત્રણ મહિના સુધી પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં તેમના મિત્રોને છૂપાઈને રહેતી હતી. આ દરમ્યાન વધુ સમય તે ઘરની અંદર જ રહેતી હતી. જોકે, હવે અત્યારે તે અમેરિકામાં છે, પરંતુ તેમને હજું પણ પોતાના પરિવાર અને એ લોકોની ચિંતા છે, જેમણે એમની પાકિસ્તાનમાં છૂપાઈને રહેવામાં મદદ કરી હતી.