વોશિંગ્ટનઃ અમેરિકાએ નાણાકીય વર્ષ 2020 માટે ભારતીયો, પ્રોફેશનલ્સ સહિત વિદેશી નાગરિકોને H1-B વિઝા આપવાની સંખ્યા 65,000 સુધી સીમિત કરી દીધી છે. મહત્વનું છે કે, USCISને નાણાંકીય 2020 માટે ગત 1 એપ્રિલથી વિઝા એપ્લિકેશન મળવાની શરૂઆત થઇ ગઇ હતી. જેમાં શરૂઆતના 5 જ દિવસમાં સીમિત કરવામાં આવેલી પર્યાપ્ત એપ્લિકેશનો મળી ગઈ છે.
H1-B એક નોન-ઇમિગ્રન્ટ્સ વિઝા છે જે અમેરિકન કંપનીઓના વિદેશી કર્મચારીઓને ખાસ કરીને ટેક્નિક્લ નિષ્ણાતોને નોકરી આપવાની મંજૂરી આપે છે. આઇટી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર નિર્ભર રહે છે.
આ વિઝાની એપ્લિકેશનને મંજૂરી આપતી ફેડરલ એજન્સી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ કહ્યું કે, નાણાકીય વર્ષ 2020 માટે કોંગ્રેસ દ્વારા એચ1-બી વિઝા માટે સીમિત કરવામાં આવેલી 65,000ની સંખ્યા માટે પર્યાપ્ત એપ્લિકેશન મળી ગઇ છે. નાણાકીય વર્ષ 1 ઓક્ટોબર 2019થી શરૂ થશે. જોકે, USCISને 5 દિવસમાં કુલ કેટલી એપ્લિકેશનો મળી છે,તે અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવી.
તો બીજી તરફ અમેરિકામાં ઘુસવાની કોશિશિ કરનારા ભારતીયોની ધરપકડમાં ઘટાડો નોંધાયો છે. કેલિફોર્નિયામાં અમેરિકા અને મેક્સિકો સરહદ પર દિવાલ બનવાને કારણે આ ધરપકડમાં 56 ટકાનો ઘટાડો થયો છે.