પાકિસ્તાનના F-16 મામલે અમેરિકન સરકારે મેગેઝિનનો દાવો ફગાવ્યો

નવી દિલ્હી- અમેરિકાના એક મેગેઝિને દાવો કર્યો હતો કે પાકિસ્તાનનું એક પણ F-16 યુદ્ધ વિમાન ગુમ થયું નથી. મેગેઝિનના આ દાવાને અમેરિકન સરકારે ફગાવી દીધો છે. અમેરિકન સંરક્ષણ વિભાગે કહ્યું છે કે, અમને આ પ્રકારની તપાસની કોઈ પણ જાણકારી નથી, જેમાં એવું નિર્ધારીત થતું હોય કે, 27 ફેબ્રુઆરીએ ભારત-પાક ફાઈટર વિમાનો સાથે થયેલા ઘર્ષણ દરમિયાન f-16 વિમાન તોડી પડાયું હોય.

અમેરિકાનું વલણ ફોરેન પોલિસી મેગેઝિનના દાવાની બિલકુલ વિપરીત છે. મેગેઝિનમાં દાવો કરવામાં આવ્યો હતો કે,  અમેરિકન સંરક્ષણ વિભાગના અધિકારીઓએ હાલમાં જ પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી. જેમાં પાકિસ્તાનનું એક પણ F-16 લડાકુ વિમાન ગુમ થયું નથી. મેગેઝિનના આ રિપોર્ટ બાદ ભારતે પાકિસ્તાનનું વિમાન તોડી પાડયું છે, તેવા દાવા પર સવાલો ઉભા થયાં હતાં.

અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમારા વિભાગને આવી કોઈ પણ પ્રકારની તપાસ અંગે જાણકારી નથી. મેગેઝિને બે અજ્ઞાત અધિકારીઓનો હવાલો આપી તેમનો રિપોર્ટ આપ્યો હતો. અમેરિકન સંરક્ષણ વિભાગ આ ન્યૂઝ રિપોર્ટને નકારી રહ્યું છે. આ પહેલા અમેરિકાએ પાકિસ્તાનને સંરક્ષણ સહયોગને સ્થગિત કરી દીધો હતો.

અમેરિકન મેગેઝિનના રિપોર્ટ બાદ ભારતીય વાયુસેના તરફથી બંન્ને દેશો વચ્ચે ઘર્ષણ દરમિયાન પાકિસ્તાનના F-16  લડાકૂ વિમાનને તોડી પાડવોનો દાવો કરવામાં આવ્યો હતો. ભારતે કહ્યું કે, તેમની પાસે આ મામલે ઈલેક્ટ્રોનિક સિગ્નેચર પણ છે.

તો બીજી તરફ પાકિસ્તાની સેના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, આ સમય છે કે, ભારત હવે પાકિસ્તાન દ્વારા તોડી પાડવામાં આવેલા અન્ય વિમાનો સહિત તેમના ખોટા દાવા પર સ્પષ્ટતા કરે. ગફૂરે સાચાની હંમેશા જીત થાય છે તેવી વાત પણ કહી હતી.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના પુલવામા માં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા આતંકી સંગઠનના કેમ્પ પર એર સ્ટ્રાઈક કરી હતી. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની એરફોર્સે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય સરહદમાં લડાકૂ વિમાન સાથે ઘુસવાની કોશિશ કરી હતી, જેના જવાબમાં ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના F_16  વિમાનને તોડી પાડયું  હતું.