અબૂધાબીઃ અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો ભાઈ અનવર અબૂધાબી એરપોર્ટ પર કસ્ટમ્સ એન્ડ અબૂ ધાબી પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે તેની અટકાયત કરી છે. અનવર પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે.
ધરપકડ બાદ ભારતીય દૂતાવાસ છોટા શકીલના ભાઈને પોતાની કસ્ટડીમાં લેવાની પ્રયત્નો કરી રહ્યો છે. પાકિસ્તાની દૂતાવાસ પણ તેને પકડવાના પ્રયત્નોમાં જોતરાયું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે અનવર પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે એટલા માટે તેને સીધો પાકિસ્તાનને સોંપવો જોઈએ.
સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે અનવર મામલે પૂરતી જાણકારી મળ્યાં બાદ તેને પકડી શકાયો. અનવર બાબૂ શેખ વિરુદ્ધ પહેલેથી જ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવેલી છે. અનવર મામલે કહેવાઈ રહ્યું છે કે આઈએસઆઈ સાથે તે કામ કરી રહ્યો છે અને તે ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિઓમાં પણ જોડાયેલો છે.
માફિયા ડોન છોટા શકીલનું અસલી નામ શકીલ બાબૂમિયાં શેખ છે. માફિયા ડોન છોટા શકીલ 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપીઓ પૈકીનો એક આરોપી છે. તેને અંડરવર્લ્ડના સૌથી મોટા ડોન દાઉદ ઈબ્રાહિમનો ખાસ માણસ માનવામાં આવે છે. તેનો મુખ્ય ધંધો હથિયારોની તસ્કરી કરવાનું છે અને પૈસા વસૂલવાનું છે.
બોલીવુડની હસ્તીઓ સાથે આના સંબંધો મોટાભાગે ચર્ચામાં રહ્યા છે. બોલીવુડની ફિલ્મોમાં આ જ વ્યક્તિ દાઉદ ઈબ્રાહિમના પૈસા લગાવે છે. કહેવાય છે કે કુખ્યાત ડોન છોટા રાજને છોટા શકીલના ડરથી જ પોતાની ધરપકડ કરાવી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે રાજન મામલે છોટા શકીલે ધમકી આપી હતી કે અમે રાજનને જેલમાં ઘુસીને મારીશું. આ ધમકી બાદ જેલમાં બંધ છોટા રાજનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.