UKના કોરોનાના નવા સ્ટ્રેન 41 દેશોમાં પહોંચ્યાઃ WHO

જિનિવાઃ બ્રિટનમાં મળેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેન અત્યાર સુધી વિશ્વના 41 દેશોમાં પહોંચી ચૂક્યા છે. આ માહિતી પાંચ જાન્યુઆરી, 2021 સુધીની છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું હતું. 14 ડિસેમ્બર, 2020એ બ્રિટનમાં જાહેરાત કરી હતી કે દેશના અનેક ભાગોમાં કોરોના નવા સ્ટ્રેન મળ્યા છે. આ સ્ટ્રેન કોરોનાના પાછલા વેરિયન્ટની તુલનામાં 70 ટકા ઝડપથી ફેલાય છે. આ સમાચારથી ભારત સહિત અનેક દેશોએ યુકેથી આવતી બધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

દેશમાં બુધવારે કોરોના વાઇરસના યુકે સ્ટ્રેનના 13 નવા કેસ નોંધાયા છે. જેથી દેશમાં આ સ્ટ્રેનથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 71એ પહોંચી ગઈ છે. આ બધા કેસ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં મળ્યા હતા. જેથી બ્રિટનથી આવેલા લોકો માટે અલગ ગાઇડલાઇન્સ જારી કરી છે.

મંત્રાલયે કહ્યું હતું કે બ્રિટનથી પરત ફરેલા સંક્રમિત લોકોના નમૂના જીનોમ સિક્વેન્સિંગનું કામ ચાલી રહ્યું છે. સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નવા કોરોના સ્ટ્રેનને લઈને રાજ્યોને સતત સલાહ આપવામાં આવી રહી છે.