વોશિંગ્ટન – વ્હાઈટ હાઉસ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મંગળવારે એમની ઓવલ ઓફિસમાં દિવાળી તહેવારની ઉજવણી કરશે.
પ્રમુખ ટ્રમ્પના નાયબ સહાયક રાજ શાહે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રમુખ આવતા મંગળવારે ઓવલ ઓફિસમાં પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરશે.
ગયા બુધવારે જ ટ્રમ્પે દિવાળી તહેવાર નિમિત્તે ભારતીયોને શુભેચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતાને વધારે ગાઢ બનાવવાની આ વિશેષ તક છે.
દિવાળીનો તહેવાર ખૂબ આનંદદાયક અને યાદગાર બની રહે એવી તેમની શ્રેષ્ઠ શુભેચ્છા પાઠવવામાં પોતાની સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા પણ જોડાયાં છે, એમ પણ ટ્રમ્પે કહ્યું હતું.
અમેરિકાના વિકાસમાં ભારતીય-અમેરિકન લોકોના અસાધારણ યોગદાનને પણ ટ્રમ્પે બિરદાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ગયા વર્ષે એમના ઓવલ કાર્યાલયમાં પરંપરાગત દીપ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી.
ટ્રમ્પે કહ્યું કે દિવાળીનો તહેવાર હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો માટે આનંદ અને આધ્યાત્મિક અવસર છે. આ પ્રસંગે દીપ પ્રગટાવવો એ દિવાળીના ખરા અર્થનું પ્રતિક છે, કારણ કે દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય અને કૂકર્મ પર સત્કર્મનો વિજય.