ભારત અને અમેરિકા વચ્ચે એક અબજ ડોલરના હથિયારોનો મોટો સોદો

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસન દ્વારા કરાયેલી જાહેરાતે વિશ્વના દેશોનું ધ્યાન ખેચ્યું છે. અને આ જાહેરાત ભારતને લગતી છે. ટ્ર્મ્પ પ્રશાસને અમેરિકન કોંગ્રેસને કહ્યું છે કે તેણે ભારતને 1 અબજ ડોલરની નૌસેના માટેની તોપ વેચવાનો નિર્ણય લીધો છે. આ સૂચિત વેચાણ સાથે, ભારત પસંદગીના દેશોની સૂચિમાં જોડાશે. અમેરિકાએ પોતાની નૌકાદળની તોપોના નવીનતમ ઉપકરણ (મોડ 4) વેચવાનો નિર્ણય લીધો છે. આ તોપોનો ઉપયોગ યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનો સામે અને દરિયાકાંઠે બોમ્બમારા માટે થાય છે. આ નિર્ણયથી ભારતીય નૌકાદળની ઘાતક ક્ષમતાઓમાં વધારો થશે.

સંરક્ષણ સુરક્ષા સહકાર એજન્સીએ મંગળવારે જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે 13 એમકે -45 પાંચ ઇંચ / 62 કેલિબર (એમઓડી 4) નૌકા તોપો અને તેમના સંબંધિત સાધનોના વિદેશી લશ્કરી વેચાણની સૂચિત કિંમત $ 1.0210 અબજ છે. વધુમાં જણાવાયું છે કે બીએઇ સિસ્ટમ્સ લેન્ડ અને આર્મામેન્ટ દ્વારા બનાવવામાં આવનાર આ શસ્ત્રોનું સૂચિત વેચાણ ભારતને દુશ્મનોના શસ્ત્રોથી વર્તમાન અને ભાવિ જોખમોનો સામનો કરવામાં મદદ કરશે.

એમકે -45 ગન સિસ્ટમ યુએસ અને અન્ય સાથી દળો સાથે આંતર ક્ષમતા વધારવાની તેમ જ સપાટી વિરોધી યુદ્ધ અને વિરોધી સંરક્ષણ મિશન ચલાવવાની ક્ષમતા પ્રદાન કરશે.અમેરિકી પ્રશાસને કહ્યું કે આ વધેલી ક્ષમતાની મદદથી ભારત પ્રાદેશિક જોખમોનો સામનો કરી શકશે અને તેની જમીનની સુરક્ષા કરશે. તેમ જ આ ઉપકરણોના સૂચિત વેચાણથી આ ક્ષેત્રમાં મૂળભૂત સૈન્ય સંતુલન બદલાશે નહીં.

સૂચના અનુસાર, આ સંભવિત વેચાણને અમલમાં લાવવા કાનૂની મંજૂરી જરૂરી છે અને તેનો અર્થ એ નથી કે વેચાણ થઇ ગયું છે. હજી સુધી આ તોપો ફક્ત ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયામાં વેચાઇ છે. થાઇલેન્ડને મોડ 4 નું સુધારેલું સંસ્કરણ આપવામાં આવ્યું છે. અમેરિકા આ તોપ તેના બ્રિટન અને કેનેડા જેવા મિત્ર દેશોમાં વેચવા પણ પ્રતિબદ્ધ છે.