નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે.
કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1486 પર પહોંચી ગઈ છે. ચીનના હુબેઈ પ્રાંતમાં ગઈકાલે 116 જેટલા લોકોના મોત થયા હતા. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. ચીનમાં અત્યારસુધીમાં આ વાયરસ જે લોકોને થયો છે તેમની સંખ્યા 64,627 પર પહોંચી ગઈ છે. ચીનમાં આજે એક જ દિવસમાં 121 જેટલા લોકોના મોત થઈ ગયા છે. ચીનમાં આ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ચીનનો હુબેઈ પ્રાંત કે જ્યાં આની સૌથી વધારે અસર છે ત્યાં અત્યારસુધીમાં કોરોના વાયરસના 4823 જેટલા કેસો સામે આવ્યા છે.
તમિલનાડુના ડેપ્યૂટી સીએમ અને નાણામંત્રી ઓ પન્નીરસેલ્વમે વિધાનસભામાં કહ્યું કે, રાષ્ટ્રીય દિશાનિર્દેશો અનુરુપ તમિલનાડુ સરકારે રાજ્યમાં આ રોગ ન ફેલાય તે માટેની તમામ તૈયારીઓ કરી છે. તેમણે કહ્યું કે, સરકાર વ્યક્તિગત સુરક્ષા કીટ, માસ્ક અને ટ્રિપલ-લેયર માસ્કને પર્યાપ્ત માત્રામાં ખરીદીને રાખ્યા છે અને તેનો સ્ટોક કર્યો છે. તેમણે કહ્યું કે, તૈયારીઓ અને રોગ નિવારવાના ઉપાયો માટે જરુરી તમામ રકમ ખર્ચવામાં આવશે.
તો હિમાચલ પ્રદેશમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વિપિન સિંહ પરમારે કહ્યું કે, હિમાચલ પ્રદેશમાં 111 લોકોની તપાસ કરવામાં આવી રહી છે જ્યારે 46 જેટલા લોકોને 28 દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
વુહાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ભયમાં છે. તેમણે ભારતની સરકારને તેમને ત્યાંથી કાઢવા માટે મદદ માંગી છે. ભારત વુહાન પહેલા જ પોતાના 647 નાગરિકોને સુરક્ષીત બહાર લાવી ચૂક્યું છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આશરે 100 ભારતીય હજી ત્યાં હોવાની શક્યતા છે. જ્યારે હુબેઈમાં આશરે 1000 પાકિસ્તાની વિદ્યાર્થીઓ ફસાયા હોવાની શક્યતાઓ છે. જો કે પોતાના નાગરિકોને ત્યાંથી બહાર ન લાવી શકવાની પાકિસ્તાનની નિષ્ફળતાના કારણે સરકારની ખૂબ ટીકાઓ થઈ રહી છે.