કાઠમાંડુ- નેપાળમાં કોલેજના વિદ્યાર્થી અને શિક્ષકો પ્રવાસમાંથી પરત ફરી રહ્યાં હતાં તે દરમિયાન તેમની બસ ખીણમાં ખાબકતા 23 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયાં છે, જ્યારે અન્ય 14 લોકોને ઈજા પહોંચી છે. શૈક્ષણિક પ્રવાસની બસ સલ્યાન જિલ્લામાં કપૂરકોટથી પરત આવી રહી હતી, એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.
જિલ્લા પોલીસ કાર્યાલયના જણાવ્યા અનુસાર બસમાં કુલ 37 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં, જેમાં 34 વિદ્યાર્થીઓ, બે શિક્ષકો અને એક બસના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. બસ રાજધાની કાઠમાંઠૂથી અંદાજે 400 કિલોમીટર દૂર રમરી ગામ નજીક મુખ્ય માર્ગ પરથી અંદાજે 700 મીટર ઉંડી ખીણમાં જઈને પડી હતી. 5 મહિલાઓ સહિત 14 લોકો ઘાયલ થયાં છે. તમામ વિદ્યાર્થીઓની ઉંમર 16થી 20 વર્ષની હોવાની કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં બે શિક્ષકોના પણ મોત થયાં છે.
કાઠમાંઠૂ પોસ્ટના અહેવાલ અનુસાર કૃષ્ણ સેન ઈચ્છુક પોલિટેકનિક ઈન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થી અને બે શિક્ષકો વનસ્પતિ વિજ્ઞાન પ્રોજેક્ટ માટે ખેતરોની મુલાકાતે ગયા હતાં. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં બસ ઓવર સ્પીડે ચાલતી હોવાનું અનુમાન છે. ઓવર સ્પીડ હોવાના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો.