ન્યુ યોર્ક – સ્પાઈડર-મેન, X-Men, ધ ફેન્ટાસ્ટિક ફોર, ધ એવેન્જર્સ, બ્લેક પેન્થર સહિત અનેક કોમિક પાત્રોવાળી બુક્સનાં સહ-સર્જક સ્ટાન લીનું નિધન થયું છે. એ 95 વર્ષના હતા.
માર્વેલ કોમિક્સના સર્જક સ્ટાન લીનું સોમવારે વહેલી સવારે હોલીવૂડ હિલ્સ સ્થિત એમના નિવાસસ્થાને નિધન થયું હતું. છેલ્લા એક વર્ષથી તેઓ ન્યુમોનિયા સહિત અનેક બીમારીઓનો શિકાર બન્યા હતા.
1922ની 28 ડિસેમ્બરે જન્મેલા સ્ટેન્લી લિબર (સ્ટાન લી)એ 1961માં જેક કિર્બી સાથે મળીને માર્વેલ કોમિક્સની સ્થાપના કરી હતી.
કોમિક્સ બુક્સના ઈતિહાસમાં દંતકથા સમાન નામોમાં સ્ટાન લીની ગણના કરવામાં આવે છે. માર્વેલ કોમિક્સની સફળતામાં સ્ટાન લી સર્જનાત્મક પરિબળ બન્યા હતા. એમણે સ્પાઈડર-મેન, X-Men, ધ ફેન્ટાસ્ટિક ફોર, ધ એવેન્જર્સ, આયર્નમેન, ધ ઈનક્રેડિબલ હલ્ક જેવા લોકપ્રિય કાલ્પનિક પાત્રોનું સર્જન કર્યું હતું.
એ સુપરહીરોઝ પાત્રો પર આધારિત હોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો બની હતી. 2009માં ડિઝનીએ 4 અબજ ડોલર સોદામાં માર્વેલ હસ્તગત કર્યા બાદ ફિલ્મો બની હતી.
ડિઝની સ્ટુડિયો કંપનીએ પણ કોમિક લેજન્ડ સ્ટાન લીનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. ડિઝનીના સીઈઓ રોબર્ટ ઈગરે કહ્યું કે, ‘લી અસાધારણ વ્યક્તિ હતા, કારણ કે એમણે અદ્દભુત પાત્રોનું સર્જન કર્યું હતું.’
‘સ્પાઈડર-મેન’ ફિલ્મ બની ત્યારે સ્ટાન લીએ 2002માં રોયલ્ટીના મામલે પ્રોડ્યુસર કંપની પર કેસ કર્યો હતો. ત્રણ વર્ષ બાદ એમણે 1 કરોડ ડોલરની રકમમાં કેસની પતાવટ કરી હતી.
એમના પરિવારમાં પુત્રી જોઆન છે.
સ્ટાનનાં પત્ની (જેમનું નામ પણ જોઆન હતું) એ 2017માં અવસાન પામ્યાં હતાં.