મોસ્કોઃ કોરોના વાઇરસનો પ્રકોપ દુનિયાભરમાં હજી પણ સતત વધી રહ્યો છે. આ વાઇરસ વિશ્વભરમાં 33 લાખથી વધારે લોકોને ઝપટમાં લઈ ચૂક્યો છે અને 2,33,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન પછી હવે રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને પોતે જ જાણકારી આપી છે કે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
‘હવે હું સેલ્ફ આઇસોલેશનમાં જઈ રહ્યો છું. આ બહુ જરૂરી છે, જેથી મારા સહકર્મચારીઓ સુરક્ષિત અને સ્વસ્થ રહે. હું આંદ્રે બેલોસ્યોવને કાર્યકારી વડા પ્રધાન બનાવું છું,’ એમ તેમણે નિવેદનમાં જણાવ્યું છે.
વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા પોતાને કોરોના થયાની માહિતી આપી હતી.
રશિયાના નાયબ વડા પ્રધાન આંદ્રે બેલોસોવ હંગામી ધોરણે મિશુસ્તિનનું કામકાજ સંભાળશે. જોકે વડા પ્રધાન મિશુસ્તિન મુખ્ય મુદ્દાઓ પર આંદ્રેથી વિચારવિમર્શ કરતા રહેશે.
કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર
દરમિયાન, રશિયામાં પણ કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના 7,099ના નવા કેસ સામે આવ્યા હતા. એની સાથે રશિયામાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 1,06498 થઈ ગઈ છે અને 1073 લોકોના મોત થયાં છે.