મોસ્કોઃ રશિયાએ તેના પડોશી પશ્ચિમી દેશ યૂક્રેન ઉપર લશ્કરી આક્રમણ કરી દીધું છે. આજે તેનો બીજો દિવસ છે. યૂક્રેને પણ સામનો કરવાનું શરૂ કરી દીધું છે. આ લડાઈને કારણે આખી દુનિયા ઉંચા જીવે છે. રશિયાના આક્રમણને કારણે યૂક્રેનમાં અનેક લોકો માર્યા ગયા છે. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે યૂક્રેનનું લશ્કર જો લડાઈ રોકી દે અને અમારી શરણે આવી જાય તો અમે યૂક્રેનના શાસકો સાથે વાટાઘાટ કરવા તૈયાર છીએ. યૂક્રેનનું બિન-સૈન્યકરણ અને બિન-નાઝીકરણ કરવા માટે પ્રમુખ વ્લાદિમીર પુતિને વિશેષ લશ્કરી કાર્યવાહીનો નિર્ણય લીધો છે, જેથી યૂક્રેનવાસીઓને દમનમાંથી મુક્ત કરાવી શકાય અને તેઓ એમના ભવિષ્ય વિશે મુક્તપણે નિર્ણય લઈ શકે.
લાવરોવની આ કમેન્ટ સૂચવે છે કે આ આક્રમણ કરવા પાછળ રશિયાની સરકારનો ઈરાદો યૂક્રેનમાં હાલના શાસનને ઉથલાવી દેવાનો છે. પરંતુ, યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યૂરોપવાસીઓને હાકલ કરી છે કે તેઓ યૂક્રેન માટે લડે.