ઈસ્લામાબાદ/વોશિંગ્ટન – જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી ભારતના બંધારણની કલમ 370ને નાબૂદ કરવાના નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને વખોડી કાઢ્યો છે. ઈમરાને ભારતના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો છે અને કહ્યું છે કે આ નિર્ણયને કારણે બંને પડોશી દેશ વચ્ચેના સંબંધો વધારે બગડશે.
બંને દેશ પાસે અણુબોમ્બ છે એ આખી દુનિયા જાણે છે.
પાકિસ્તાનની મુલાકાતે આવેલા મલેશિયાના વડા પ્રધાન મહાતીર મોહમ્મદ અને તુર્કીના પ્રમુખ રીસેપ તાઈપ એર્ડોગન સાથે ઈમરાન ખાને ગઈ કાલે ઈસ્લામાબાદ અલગ અલગ રીતે બેઠક કરી હતી અને કશ્મીર અંગે ચર્ચા કરી હતી. એ વખતે ઈમરાને કહ્યું હતું કે કશ્મીરના દરજ્જામાં ફેરફાર કરવાનો નિર્ણય ગેરકાયદેસર છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવોના ઉલ્લંઘનસમાન છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યનું બે કેન્દ્રશાસિત ભાગમાં વિભાજન કરી દીધું છે – એક, જમ્મુ અને કશ્મીર તથા બીજો લદાખ. આ બંને પ્રદેશ કેન્દ્ર સરકારના વહીવટ હેઠળ રહેશે. જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની વિધાનસભા હશે, પણ લદાખની નહીં હોય.
જિઓ ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરાને એમ પણ કહ્યું કે ભારત સરકારના આ નિર્ણયને કારણે અણુબોમ્બ ધરાવતા બંને પડોશી દેશ વચ્ચેના સંબંધો વધારે બગડશે.
મલેશિયાના વડા પ્રધાન મહાતીરે કહ્યું હતું કે કશ્મીરમાંની પરિસ્થિતિ પર અમારો દેશ ચાંપતી નજર રાખી રહ્યો છે અને પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં રહેશે.
આવતા મહિને ન્યૂયોર્કમાં યુએન મહાસમિતિનું સત્ર મળવાનું છે ત્યારે ઈમરાન ખાન અને મહાતીર ત્યાં ફરી મળશે અને ચર્ચા કરશે.
નિયંત્રણ રેખા પર શાંતિ જાળવવાની ભારત-પાકિસ્તાનને અમેરિકાની અપીલ
દરમિયાન, અમેરિકાએ કહ્યું છે કે 370મી કલમ નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણય બાદ જમ્મુ અને કશ્મીરમાંની પરિસ્થિતિ પર પોતે ચાંપતી નજર રાખી રહ્યું છે.
અમેરિકી વિદેશ ખાતાના પ્રવક્તા મોર્ગન ઓર્ટેગસે પીટીઆઈ સમાચાર સંસ્થાને કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન બંનેને અપીલ કરીએ છીએ કે તેઓ નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવે.
ગઈ કાલે ભારતીય વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયાના રાજદૂતોને બોલાવીને કશ્મીર અંગેની 370મી કલમને રદ કરવાના ભારત સરકારના નિર્ણય વિશે જાણકારી આપી હતી. અમેરિકી વિદેશ મંત્રાલય પ્રવક્તા ઓર્ટેગસે કહ્યું છે કે જમ્મુ અને કશ્મીર વિવાદને ભારત એની આંતરિક બાબત ગણે છે એની અમે નોંધ લીધી છે.