મેગનના રંગભેદના આરોપો પર રાણી એલિઝાબેથની પ્રતિક્રિયા

લંડનઃ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ મંગળવારે દોહિત્ર પ્રિન્સ હેરી અને તેમનાં પત્ની મેગન દ્વારા રાજઘરાના પરના આક્ષેપોના જવાબ આપ્યા હતા. તેમણે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને શાહી જીવનની સાથે હેરી અને મેગનની હેરાનગતિ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. હેરી અને મેગનનાં છેલ્લેં કેટલાંક વર્ષો પડકારજનક રહે, એ માહિતીથી સંપૂર્ણ પરિવાર દુખી છે. મેગને ઉઠાવેલા રંગભેદનો મુદ્દો બહુ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા વ્યક્તિગત રીતે એને ઉકેલવામાં આવશે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને હેરી અને તેમનાં પત્ની મેગન મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી. મેં શાહી પરિવાર સાથે ઘણો સમય વિતાવ્યો છે, જેથી આ મામલે કોઈ ટિપ્પણી નહીં કરું, એમ તેમણે કહ્યું હતું. હેરી અને મેગન દ્વારા હાલમાં હોલિવુડસ્ટાર ઓપ્રા વિનફ્રેને આપેલા ઇન્ટરવ્યુમાં શાહી પરિવાર વિશે કેટલીક વાતોનો ખુલાસો કર્યો હતો. આ ઇન્ટરવ્યુ 1.70 કરોડ અમેરિકનો જોઈ ચૂક્યા છે. પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે ટેલિવિઝન હોસ્ટ વિનફ્રેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સે મારો ફોન લેવાનો અનેક વાર બંધ કર્યો હતો.

મેગને કહ્યું હતું કે તે જ્યારે પહેલી વાર ગર્ભવતી થઈ ત્યારે તેમના બાળકના રંગને લઈને સવાલો ઊભા થયા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે હેરીથી લગ્ન કર્યા પછી તેમને આત્મહત્યા કરવા જેવા વિચાર આવવા લાગ્યા હતા અને આ સંબંધમાં ડોક્ટરની મદદ લેવાથી મને અટકાવવામાં આવી હતી. શાહી પરિવારના એક વરિષ્ઠ અધિકારીને તેમણે કહ્યું હતું કે તેને માનસિક આરોગ્ય માટે મદદની જરૂર છે તો તેણે કહ્યું હતું કે આ પરિવાર માટે યોગ્ય નથી.