માઉન્ટ એવરેસ્ટ પર ‘અન્ય-પર્વતારોહકો’ની તસવીર-વિડિયો પર પ્રતિબંધ

કાઠમંડુઃ નેપાળના સાંસ્કૃતિક, પર્યટન અને મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે માઉન્ટ એવરેસ્ટ શિખર પર જતા પર્વતારોહકો માટે આદેશ બહાર પાડ્યો છે કે તેમણે એવરેસ્ટ આરોહણ કરતી વખતે અન્ય પર્વતારોહકો કે અન્ય પર્વતારોહણ ટૂકડીઓના સભ્યોની તસવીરો પાડવી નહીં કે એમનો વિડિયો કે ફિલ્મ ઉતારવી નહીં. માત્ર વ્યક્તિને એના પોતાના જ ગ્રુપના સભ્યોની તસવીર લેવા કે વિડિયો-ફિલ્મ ઉતારવાની છૂટ રહેશે. આ આદેશ વર્તમાન મોસમથી જ લાગુ કરવામાં આવ્યો છે. નેપાળના અધિકારીઓનું કહેવું છે કે પર્વતારોહકો એવરેસ્ટના બેઝ કેમ્પ ખાતે કચરાના ઢગલાના ફોટા પાડીને, તેને ઈન્ટરનેટ પર સર્ક્યૂલેટ કરીને માઉન્ટ એવરેસ્ટ ટૂરિઝમ મેનેજમેન્ટને બદનામ કરે છે.

નોટિસમાં જણાવાયું છે કે પ્રત્યેક પર્વતારોહક એની પોતાની કે એના ગ્રુપના સભ્યોની તસવીરો પાડી શકશે કે વિડિયો લઈ શકશે અને શેર પણ કરી શકશે, પરંતુ જો તે નેપાળના પર્યટન વિભાગની મંજૂરી મેળવ્યા વિના અન્ય પર્વતારોહકોના ફોટા લેશે અને શેર કરશે તો એની સામે પગલાં લેવામાં આવશે. આ આદેશ 2019ના મે મહિનામાં ઈન્ટરનેટ પર વાયરલ થયેલી માઉન્ટ એવરેસ્ટ પર ‘ટ્રાફિક જામ’ની એક તસવીરને પગલે લેવામાં આવ્યો છે. એ તસવીર વિક્રમસર્જક પર્વતારોહક નિર્મલ પૂરજાએ લીધી હતી. એ તસવીરને પગલે આંતરરાષ્ટ્રીય મિડિયા દ્વારા નેપાળની સરકારની આકરી ટીકા કરાઈ હતી કે આવા ટ્રાફિક જામથી હિમાલય પર્વતમાળા પર પર્યાવરણ રચના જોખમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]