કોલંબોઃ પડોશી દેશ શ્રીલંકાની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે શનિવારે મતદાન શરૂ થયું છે. 2022ના આર્થિક સંકટ પછી શ્રીલંકામાં આ પહેલી સામાન્ય ચૂંટણી છે. ત્રિકોણીય ચૂંટણી જંગમાં હાલના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને નેશનલ પીપલ્સ પાવર (NPP)ના અનુરા કુમારા દિસાનાયકે અને સમાગી જન બાલાવેગયા (SJB)ના સાજિથ પ્રેમદાસાથી કડક ટક્કર મળશે.
આ ચૂંટણીમાં આશરે 1.7 કરોડ મતદાતાઓ મતદાન કરશે.ચૂંટણી કરવા માટે બે લાખથી વધુ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. મતદાતાઓ 38 રાષ્ટ્રપતિપદના ઉમેદવારોમાંથી કોઈ એકની પસંદગી કરશે. હાલના સર્વે અનુસાર નેશનલ પીપલ્સ પાવરના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અનુરા કુમારા દિસાનાયકે રેસમાં આગળ છે. તેમને ચીનતરફી માનવામાં આવે છે. અનુરાએ વચન આપ્યું છે કે જીત્યા બાદ તે અદાણીનો પ્રોજેક્ટ રદ કરશે.
અહેવાલ અનુસાર શ્રીલંકામાં બે વર્ષ પહેલાં આવેલા આર્થિક સંકટ હજુ પણ લોકોના મનમાં છે. આ જ કારણ છે કે દેશનો સૌથી મોટો પરિવાર ‘રાજપક્ષે’ છેલ્લા બે દાયકાથી આ રેસમાંથી બહાર થતો જોવા મળી રહ્યો છે.
અહીંની JVP પાર્ટી ભારતના વિરોધ માટે જાણીતી છે. 1980 ના દાયકામાં, ભારતે શ્રીલંકામાં LTTE સાથે વ્યવહાર કરવા માટે શાંતિ જાળવણી દળો મોકલવાનું નક્કી કર્યું હતું. ત્યારે JVPએ તેનો વિરોધ કર્યો હતો. જોકે JVPએ તેનું ભારતવિરોધી વલણ બદલ્યું છે. અનુરાએ ચૂંટણી પહેલાં ભારતીય કંપની અદાણી વિરુદ્ધ નિવેદન આપીને નવો વિવાદ શરૂ કર્યો છે
છેલ્લાં ચાર વર્ષમાં અનુરા દિસાનાયકે અને NPPની લોકપ્રિયતામાં જોરદાર ઉછાળો આવ્યો છે. શ્રીલંકાના લોકોને આર્થિક સુધારણા અને સામાજિક સમાનતા માટે NPP પાસેથી ઘણી અપેક્ષાઓ છે, કારણ કે તે પહેલાં ક્યારેય સત્તામાં નથી આવી, તેથી લોકોને તેમના પર વધુ વિશ્વાસ છે.