થાઈલેન્ડમાં મોદી બોલ્યાઃ અમે અશક્યને શક્ય બનાવવાની દિશામાં…

નવી દિલ્હી:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસના પ્રવાસે થાઇલેન્ડ પહોંચ્યા. બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં ‘સવાસ્દી પીએમ મોદી’ ઇવેન્ટમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. નિમિબત્રુ સ્ટેડિયમમાં તેમણે ગુરુ નાનક દેવની 550મી જયંતિના અવસર પર સિક્કો અને તમિલ ગ્રંથ તિરુક્કુલનો થાઇ અનુવાદ પણ જાહેર કર્યો. હાઉડી મોદીની જેમ સવાસ્દી પીએમ મોદી કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતાં.

વડાપ્રધાન મોદીએ અહીં ભારતીય સમુદાયને સંબોધન કરતા કહ્યું કે, હવે અમે એ લક્ષ્યાંકો પર કામ કરી રહ્યા છીએ જે પહેલા અસંભવ લાગતા હતા. તમે તમામ એ વાતથી પરિચિત છો કે આતંકવાદ અને અલગાવવાદથી દેશને મુક્ત કરવા માટે એક મોટો નિર્ણય ભારત સરકારે લીધો છે. તેમણે કહ્યું કે, 130 કરોડ ભારતીય આજે ન્યૂ ઈન્ડિયાના નિર્માણમાં જોડાયા છે.

સંબોધનમાં તેમણે કહ્યું કે થાઇલેન્ડના કણ-કણ અને જણ-જણમાં પોતીકાપણું દેખાય છે. આ સંબંધો દિલ, આત્મ, આસ્થા અને અધ્યાત્મના છે. ભારતનું પૌરાણિક નામ જમ્બૂદ્વીપથી જોડાયેલું છે. થાઇલેન્ડ સ્વર્ણભૂમિનો ભાગ હતું. ભગવાન રામની મર્યાદા અને બુદ્ધની કરૂણા આપણી સંયુક્ત વિરાસત છે. કરોડો ભારતીયોનું જીવન જ્યાં રામાયણથી પ્રેરિત થાય છે તો એ જ દિવ્યતા થાઇલેન્ડમાં રામાકીયનની છે. આપણે ભાષા જ નહીં, ભાવનાનાં સ્તર પર પણ એકબીજાની નજીક છીએ.

મહત્વનું છે કે, રવિવારે વડાપ્રધાન મોદી આસિયાન-ઈન્ડિયા સમિટમાં સામેલ થશે. આસિયાન સમિટમાં આવવા માટે મોદીને થાઈલેન્ડના વડાપ્રધાને આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સચિવ વિજય સિંહ ઠાકુરે જણાવ્યું કે, આસિયાનથી સંબંધિત સમિટ અમારા ડિપ્લોમેટિક કેલેન્ડરનો હિસ્સો છે. આ વડાપ્રધાન મોદીની સાતમી આસિયાન-ઈન્ડિયા સમિટ અને છઠ્ઠી ઈસ્ટ ઈન્ડિયા સમિટ હશે.

 

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મોદીના આ પ્રવાસનો ઉદ્દેશ ભારત અને આસિયાન દેશોના સંબંધો મજબૂત કરવાનો છે. આ દરમિયાન ઘણા સમજૂતી કરાર થશે. તેમાં આસિયાન ગેશોના વિદ્યાર્થીઓને ભારતના આઈઆઈટી સંસ્થાઓમાં 1 હજાર પીએચડી સ્કોલરશીપ આપવાનો પ્રસ્તાવ પણ છે.