SCO સમિટ: આતંકવાદ મુદ્દે PM મોદીની સ્પષ્ટ વાત, સામે હતાં PM ઇમરાનખાન

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આતંકવાદના મુદ્દાને વિશ્વ સમક્ષ ઉઠાવ્યો છે. બિસ્કેકમાં ચાલી રહેલી  શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈજેશન (SCO) સમિટમાં આજે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમામ દેશોએ આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડવા માટે એક સાથે મળીને એનો ખાત્મો કરવા પડશે. વડાપ્રધાન મોદી જ્યારે SCOના મંચ પરથી આતંકવાદ વિરુદ્ધ બોલી રહ્યાં હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ત્યાં હાજર હતાં. વડાપ્રધાને તેમના ભાષણમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર વાત કરી.

આતંકવાદ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

વડાપ્રધાન મોદીએ આ દરમિયાન તમામ એસસીઓના સભ્યોને અપીલ કરી કે આપણે આતંકવાદના મુદ્દા પર એકજૂથ થવુ પડશે અને આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ પણ બોલવવી પડશે. વડાપ્રધાન મોદી આ વાતની ઉલ્લેક શ્રીલંકા અને માલદીવના પ્રવાસ દરમિયાન પણ કર્યો હતો.

વડાપ્રધાને અનેક નેતાઓની સામે કહ્યું કે, હું ગત સપ્તાહે શ્રીલંકાની ચર્ચામાં ગયો હતો, જ્યાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આપણે બધાએ આતંક સામે એકજૂથ થવું જોઈએ. એસસીઓના સભ્યોએ આતંકવાદનો સફાયો કરવા માટે એક થવું જોઈએ. આતંકવાદ રોજ માસુમ બાળકોનો ભોગ લે છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આધુનિક સમયમાં કનેક્ટિવિટીની અત્યંત જરૂર છે. લોકોને પરસ્પર સંપર્ક હોવો પણ જરૂરી છે, ટુંક સમયમાં જ ભારતની વેબસાઈટ પર રશિયાના ટૂરિઝમની જાણકારી પણ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત અફધાનિસ્તાનના લોકોની સાથે મળીને અમે આગળ વધીશું. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન અફધાનિસ્તાનમાં ભારત દ્વારા ચાલી રહેલી યોજાનાઓને પણ ઉલ્લેખ કર્યો સાથે જ એસસીઓ દેશો વચ્ચે હેલ્થ, ટૂરિઝમ સહિત અન્ય સેક્ટરોને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કર્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બહુપક્ષીય વ્યાપાર પ્રણાલીની જરૂર છે. જળવાયુ પરિવર્તન સામે ટકી રહેવા ભારત પ્રતિબદ્ધ છે. ભારત જળવાયુ પરિવર્તનને લઈને સકારાત્મક પગલા લઈ રહ્યું છે.

 

મહત્વનું છે કે, આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે શ્રીલંકાના પ્રવાસે ગયા હતાં ત્યારે તેમણે આતંકવાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવાની વાત કરી હતી. એસસીઓ સમિટમાં એવી અનેક પળો સર્જાણી હતી જ્યારે ઈમરાન ખાન અને વડાપ્રધાન મોદીનો એકબીજા સાથે સામનો થયો હતો. જો કે દરેક વખતે બંન્ને નેતાઓ વચ્ચે કોઈ પણ સંવાદ નહતો થયો.