કેનેડાને મળી ધમકીઃ કચરો પાછો લઈ જાવ નહીં તો યુદ્ધ કરીશું

મનીલાઃ ફિલિપિન્સના પ્રેસિડેન્ટ રોડ્રિગોએ કેનેડાને ચેતવણી આપી છે. રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી કે જો કેનેડા તેનો કચરો પરત નહી લઈ જાય તો તે તેની સામે યુદ્ધ શરુ કરી દેશે. મહત્વનું છે કે વર્ષ 2013 અને 2014માં કેનેડાએ રિસાઈકલિંગ કરવા માટે કચરાના કેટલાક કન્ટેનર ફિલિપિન્સ મોકલાવ્યા હતા અને ફિલિપિન્સનો આરોપ છે કે આ કન્ટેનરોમાં ઝેરી કચરો ભરેલો હતો, તેથી કેનેડાએ આ કચરાને પરત લઈ જવો જોઈએ.

દુતેર્તેએ ચેતવણી આપી કે કેનેડા તેનો ગેરકાયદે કચરો પરત લઇ લે, નહીં તો તેઓ કચરાનો પહાડ પરત મોકલાવી દેશે. ફિલિપિન્સ હવે પોતાનું વલણ નહીં બદલે, ભલે બંને દેશો દુશ્મન કેમ ના બની જાય. અમે કેનેડા વિરૂદ્ધ યુદ્ધની ઘોષણા કરી દઇશું અને કહીશું કે, તમારો કચરો પરત મોકલાવી દીધો છે, તમે ઇચ્છો તો તેને ખાઇ શકો છો.

દુતેર્તેએ અધિકારીઓને કહ્યું કે, કચરા માટે હોડી તૈયાર કરવામાં આવે અને કેનેડા તેને પરત લઇ જાય. આવું ના થયું તો તેઓ ખુદ સમુદ્ર રસ્તે કચરો કેનેડામાં ફેંકીને આવશે. રિસાઇકલિંગ મુદ્દે ફિલિપિન્સ અને કેનેડા આમને-સામને આવે તે લગભગ નક્કી છે. હકીકતમાં, કેનેડાનું કહેવું છે કે, કચરો એક પ્રાઇવેટ કંપનીએ મોકલ્યો હતો અને પ્રાઇવેટ સેક્ટર પર સરકારનો કોઇ અધિકાર નથી. બીજી તરફ, ફિલિપિન્સની કોર્ટે 2016માં જ એક્સપોર્ટર્સને પોતાના ખર્ચે કચરો પરત પહોંચાડવા માટે કહી ચૂકી છે. મનીલામાં સ્થિત કેનેડાની એમ્બેસીથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બંને દેશ આ મુદ્દાને પર્યાવરણના હિતમાં રહી ઉકેલવાના પ્રયત્નો કરી શકે છે.