પાકિસ્તાનમાં વધતી મોંઘવારી સામે લોકો રસ્તા પર ઊતર્યા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લોકો હવે ત્રસ્ત થઈ ચૂક્યા છે. આર્થિક અને રાજકીય સંકટને લોકોની જિંદગી બદતર બનાવી દીધી છે. હવે લોકો ગુસ્સો વ્યક્ત કરવા માટે રસ્તા પર ઊતરી રહ્યા છે. 1947માં દેશને સ્વતંત્રતા મળ્યા પછી જેવો માહોલ હતો, એવો જ માહોલ હાલ જોવા મળી રહ્યો છે. વિશ્વની પાંચમી સૌથી મોટી વસતિ ધરાવતો દેશ નાદારીને આરે પહોંચી ગયો છે. પાકિસ્તાન હવે શ્રીલંકા ને વેનેઝુએલાને રસ્તે આગળ વધી રહ્યો છે. ફુગાવાનો દર 48 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. દેશની વિદેશી કરન્સી એક મહિનાના આયાત માટે પણ નથી બચી. ગયા વર્ષે આવેલા પૂરથી થયેલા અબજો રૂપિયાનું નુકસાન અર્થતંત્ર પર ભારી પડી રહ્યું છે.

આ સપ્તાહે આર્થિક મદદ માટે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી ચાલી રહેલી વાતચીત નિષ્ફળ નીવડી છે. જેથી પાકિસ્તાનને હાલ કોઈ મદદ નહીં મળે. પાકિસ્તાનનના સરકાર ખજાના ખાલી થયા છે અને એને ભરવાનો હાલ કોઈ રસ્તો દેખાતો નથી.

વડા પ્રધાન શહબાઝ શરીફ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચેની લડાઈએ પાકિસ્તાનને હાંસિયામાં ધકેલી દીધું છે. આ વર્ષે બીજા અર્ધવાર્ષિક ગાળામાં ચૂંટણી થવાની છે, પણ એનાં પરિણામો મિશ્ર રહે એવી શક્યતા છે. હાલમાં જ પેશાવરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં. પાકિસ્તાનમાં બ્રેડ અને મીટની કિંમતો આસમાને પહોંચી છે. ડીઝલની કિંમતો પ્રતિ લિટર રૂ. 262એ પહોંચી છે, જ્યારે પેટ્રોલની કિંમત લિટરદીઠ રૂ. 250એ પહોંચી છે.