કરાચી – પાકિસ્તાનનાં પ્રથમ મહિલા અવકાશયાત્રી નમીરા સલીમે ‘ચંદ્રયાન-2’ મિશન દ્વારા ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવાના ઐતિહાસિક પ્રયાસ બદલ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને અભિનંદન આપ્યાં છે. એમણે કહ્યું છે કે, ‘ચંદ્રયાન2 મિશન દક્ષિણ એશિયા વિસ્તાર માટે તેમજ સમગ્ર વૈશ્વિક સ્પેસ ઈન્ડસ્ટ્રી માટે એક વિરાટ છલાંગ છે.’
કરાચી સ્થિત ડિજિટલ સાયન્સ મેગેઝિન ‘સાયન્શિયા’ને આપેલા એક નિવેદનમાં સલીમે કહ્યું કે, હું ભારત તથા ઈસરો સંસ્થાને એ માટે અભિનંદન આપું છું કે એમણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ભાગ પર વિક્રમ લેન્ડરના સફળતાપૂર્ણ સોફ્ટ લેન્ડિંગનો ઐતિહાસિક પ્રયાસ કર્યો છે.
ચંદ્રયાન-2 ચંદ્રમિશન દક્ષિણ એશિયા વિસ્તાર માટે ખરેખર એક વિરાટ છલાંગ છે, જે માત્ર આ વિસ્તાર જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક સ્પેસ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની બાબત છે, એમ નમીરા સલીમે વધુમાં કહ્યું છે.
નમીરા સલીમે વર્જિન ગેલેક્ટિક અવકાશયાનમાં બેસીને અવકાશયાત્રા કરી હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર એ પહેલા જ પાકિસ્તાનની છે.
ઉલ્લેખનીય છે કે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતું પણ 2.1 કિ.મી.ના અંતરે જ તે માર્ગમાંથી ભટકી ગયું હતું અને એની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. એને કારણે ઈસરોનાં વિજ્ઞાનીઓ તથા ભારતીયોમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જોકે રવિવારે ઈસરો દ્વારા જ જાહેરાત કરવામાં આવી હતી કે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર જ મળી આવ્યું છે. ચંદ્રની પરિક્રમા કરી રહેલા ચંદ્રયાન-2 પરના ઓર્બિટરે લેન્ડરની તસવીર ક્લિક કરી છે અને તે ડેટાની એનાલિસીસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ લેન્ડર સાથે સંપર્ક કરી શકવાની ઈસરોને આશા છે.